શહેરના ત્રણ સ્થળેથી હાઈબ્રિડ ગાંજો ઝડપાયો, 10 આરોપી સકંજામાં
સચિન GIDCમાં 720 ગ્રામ, પાનની દુકાનમાંથી 23 ગ્રામ જથ્થો જપ્ત; પાલની બિલ્ડિંગમાંથી 7 ઝડપાયા

સુરત
સુરત શહેરને નશામુક્ત બનાવવા માટે પોલીસ કમિશનરના નેતૃત્વમાં ચાલી રહેલા ‘ નો ડ્રગ ઈન સુરત ’ મેગા ઓપરેશન હેઠળ પોલીસે ત્રણ અલગ વિસ્તારોમાં છાપા મારીને હાઈબ્રિડ ગાંજાનો મોટો જથ્થો કબજે કર્યો છે.
પોલીસે કુલ 10 આરોપીઓને ઝડપીને રૂપિયા 3.77 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પકડાયેલા આરોપીઓમાં રેસ્ટોરન્ટ ધંધાર્થી, ટેક્સટાઇલ માર્કેટના કર્મચારીઓ તેમજ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે.
પાન માવાની દુકાનમાંથી 23 ગ્રામ હાઈબ્રિડ ગાંજો મળ્યો
ચોકબજાર સર્વેલન્સ ટીમે જગજીવન નગર ખાતે ગોલ્ડન જોન પાન માવાની દુકાન પર દરોડો પાડ્યો હતો. અહીં દુકાનદાર જીતુભાઇ નાગજીભાઇ ધામેલીયા (ઉ.વ.52) ને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો હતો.
તેણા પાસેથી 23 ગ્રામ હાઈબ્રિડ ગાંજો મળી આવ્યો હતો, જેની કિંમત ₹69,000 જેટલી આંકવામાં આવી છે. કુલ ₹1,19,100નો મુદ્દામાલ જપ્ત થયો હતો.
જીતુભાઈએ કબૂલ્યું કે આ પદાર્થ તેને “સિગારેટ પીવા આવતો ધ્રુવ પટેલ” આપતો હતો. પોલીસે ધ્રુવ પટેલને વોન્ટેડ જાહેર કર્યો છે.
ઉલ્લેખનીય છે કે જીતુભાઈનો ભૂતકાળ ગુનાહિત છે અને તેના વિરુદ્ધ પહેલાથી અનેક ગુના નોંધાયેલા છે.
પાલમાં હાઈ-ફાઈ બિલ્ડિંગમાંથી 7 યુવાનો ઝડપાયા
પાલ વિસ્તારના ગૌરવપથ રોડ પર આવેલી ઈવોક બિલ્ડિંગની દુકાન નં. 213 માંથી ગાંજાનું વેચાણ થતું હોવાની બાતમી મળતા, પાલ પોલીસ સ્ટેશનની ટીમે દરોડો પાડ્યો હતો.
અહીંથી મુખ્ય આરોપી ધર્મરાજ ભરતભાઈ જગડ (ઉ.વ.19) સહિત અન્ય 6 યુવાનોને ઝડપી પાડવામાં આવ્યા.
ધર્મરાજ પાસેથી 3.92 ગ્રામ હાઈબ્રિડ ગાંજો (કિં. ₹11,760) મળી આવ્યો હતો.
ઝડપાયેલા યુવાનોમાં રેસ્ટોરન્ટ ધંધાર્થી, ટેક્સટાઇલ કર્મચારીઓ તથા બે વિદ્યાર્થી (રચિત પાંડવ અને રિધમ ચૌહાણ)નો સમાવેશ થાય છે.
પોલીસે કુલ ₹2,16,760 નો મુદ્દામાલ જપ્ત કરીને NDPS એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.
સચિન GIDCમાંથી 720 ગ્રામ હાઈબ્રિડ ગાંજાનો જથ્થો પકડાયો
બાતમીના આધારે સચિન GIDC વિસ્તારના માંગીલાલની ચાલ, શિવાંજલી રૂમ નં. 21 પર દરોડો પાડતા અજયકુમાર બુધુ મંડલ (ઉ.વ.27, મૂળ બિહાર) ને ઝડપાયો.
તેણા પાસેથી 720 ગ્રામ હાઈબ્રિડ ગાંજો મળ્યો, જેની કિંમત આશરે ₹36,000 છે.
કુલ ₹41,250 નો મુદ્દામાલ કબજે કરાયો. ઔદ્યોગિક વિસ્તારોમાં પરપ્રાંતીય મજૂરો મારફતે ચાલતી ડ્રગ્સની હેરાફેરી તોડવામાં પોલીસને સફળતા મળી છે.
‘નો ડ્રગ ઈન સુરત’ ઓપરેશનમાં અત્યાર સુધીની સિદ્ધિ
* કુલ ઝડપાયેલા આરોપી : 10
* કબ્જે કરાયેલ હાઈબ્રિડ ગાંજો : 746.92 ગ્રામ
* કુલ જપ્ત મુદ્દામાલ : ₹3,77,110
* મુખ્ય સ્થળો : ચોકબજાર, પાલ, સચિન GIDC
* મુખ્ય આરોપી : ધર્મરાજ જગડ, જીતુભાઈ ધામેલીયા, અજયકુમાર મંડલ
પોલીસ સૂત્રો મુજબ, નશીલા પદાર્થોના નવા પ્રકારો શહેરમાં ઝડપથી ફેલાઈ રહ્યા છે.
કમિશનર ઓફ પોલીસના માર્ગદર્શન હેઠળ સતત દરોડા અને ઇન્ટેલિજન્સ ઓપરેશન દ્વારા સુરતને નશામુક્ત બનાવવાની દિશામાં પોલીસે મોટું પગલું ભર્યું છે.




