સુરત
સુરત જિલ્લા ભૂસ્તર વિભાગનો સપાટો: માંડવીમાં તાપી નદી પર મોડી સાંજની રેડ, 10 ડમ્પર સહિત સાધનો કબ્જે; ભૂમાફિયામાં ભારે ફફડાટ
ઊશ્કેર ખુર્દ–જાખલા પાસે ચાલી રહેલા ગેરકાયદેસર રેતી ખનન પર અચાનક દરોડો; 2 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત, ટીમની ઝડપી કાર્યવાહીમાં માફિયાઓ ભાગતા પડ્યા

સુરત જિલ્લામાં તાપી નદીમાં ચાલતી ગેરકાયદેસર રેતી ખનન પ્રવૃત્તિઓ પર ભૂસ્તર વિભાગે મોડી સાંજે અચાનક દરોડો પાડી મોટો સપાટો બોલાવ્યો છે. માંડવી તાલુકા નજીક ઊશ્કેર ખુર્દ અને જાખલા ગામ પાસે મોટા પાયે રેતી ખનન થઈ રહ્યું હોવાની મળેલી ગુપ્ત માહિતીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી.
જિલ્લા ભૂસ્તર શાસ્ત્રી પ્રવીણ ખાંભલાના આદેશ બાદ રોયલ્ટી ઇન્સ્પેક્ટર રોહિતસિંહ જાદવ તથા ડી.એન. પ્રજાપતિની ટીમે સ્થળ પર એકા એક ત્રાટકી હતી. ટીમ અચાનક પહોંચી જતાં રેતી માફિયાઓમાં ભારે ભાગદોડ મચી ગઈ.
પરંતુ ભૂસ્તર વિભાગે ઝડપી કાર્યવાહી કરીને 10 ડમ્પર , રેતી ઉલેચવાના મોંઘા સાધનો સહિત રૂ. 2 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. સાથે જ, સ્થળ પર જ ગેરકાયદેસર ખનન બદલ માફિયાઓને મસમોટો દંડ પણ ફટકારાયો.
આ કડક કાર્યવાહી બાદ રેતી માફિયાઓના નેટવર્કમાં ભારે ફફડાટ ફેલાયો છે અને હાલ રેતી ખનનની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ લગભગ બંધ થઈ ગઈ હોવાની માહિતી મળી છે.
તાપી નદીના કિનારે ચાલતા ખનનથી પર્યાવરણ અને નદીકાંઠાના નાશથી ચિંતિત સ્થાનિકોએ આ દરોડાને રાહતદાયક પગલું ગણાવ્યું છે.
-હાઇલાઇટ
> ગુપ્ત માહિતી આધારે અચાનક રેડ
> 10 ડમ્પર + મોંઘા રેતી-ઉલેચ સાધનો જપ્ત
> કુલ મુદ્દામાલ: રૂ. 2 કરોડથી વધુ
> ગેરકાયદેસર ખનન બદલ મસમોટો દંડ
> માફિયાઓમાં ભારે ભાગદોડ અને ફફડાટ
> તાપી નદીના પર્યાવરણને મોટું રક્ષણ
> સ્થાનિકોમાં રાહતનો શ્વાસ




