23 હજાર ફૂટની ઊંચાઈએ ફસાયેલા બારડોલીના પિતા-પુત્રીના મૃતદેહ મળી આવ્યા
નેપાળના અન્નપૂર્ણા-3 પર્વત પર ભારે હિમવર્ષામાં સંપર્ક તૂટ્યો હતો, 19 દિવસ બાદ બરફ નીચે દટાયેલા હાલતમાં બંનેનાં મૃતદેહ મળ્યા


બારડોલી
સુરત જિલ્લાના બારડોલી તાલુકાના કડોદ ગામના પર્વતારોહક પિતા-પુત્રી ને નેપાળમાં ટ્રેકિંગ દરમિયાન થયેલી હિમવર્ષા બાદ ગુમ થયાની ઘટના બાદ આજે દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જીગ્નેશભાઈ લલ્લુભાઈ ભંડારી અને તેમની પુત્રી પ્રિયાંશી ભંડારી ના મૃતદેહ 19 દિવસ બાદ નેપાળના અન્નપૂર્ણા-3 પર્વત પર બરફ નીચે દટાયેલા હાલતમાં મળી આવ્યા છે.
કડોદ ગામના જીગ્નેશભાઈ અને ધોરણ 11માં અભ્યાસ કરતી તેમની પુત્રી પ્રિયાંશી (વનિતા વિશ્રામ ઇન્સ્ટિટ્યૂટ)ને પર્વતારોહણનો શોખ હતો. 14 ઓક્ટોબરે બંને નેપાળ માટે રવાના થયા હતા અને 21 ઓક્ટોબરે અન્નપૂર્ણા-3 પર્વત પર ચઢાણ શરૂ કરી હતી. 31 ઓક્ટોબરે પરત આવવાનો તેમનો કાર્યક્રમ હતો, પરંતુ તે પહેલાં જ ભારે હિમવર્ષાના કારણે તેમનો સંપર્ક તૂટી ગયો હતો .
છેલ્લી વાર 21 ઓક્ટોબરે જીગ્નેશભાઈએ પત્ની જાગૃતિબેન સાથે વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે હિમવર્ષાના કારણે રસ્તા બંધ થયા છે. ત્યાર બાદ સંપર્ક ન થતાં જાગૃતિબેને હોટલ અને સ્થાનિક તંત્રનો સંપર્ક કર્યો હતો. બાદમાં કડોદ આઉટ પોસ્ટ પોલીસે ફરિયાદ નોંધાવી હતી અને સાંસદ પ્રભુ વસાવા તેમજ ધારાસભ્ય ઈશ્વર પરમાર દ્વારા CMO અને PMO સુધી જાણ કરવામાં આવી હતી.
નેપાળ તંત્ર દ્વારા છેલ્લા ઘણા દિવસોથી સઘન શોધખોળ ચલાવવામાં આવી રહી હતી. આજે સવારે સ્થાનિક રેસ્ક્યુ ટીમને બરફ હેઠળ બંનેના મૃતદેહ મળી આવ્યા . બંનેને પ્રતિકૂળ હવામાન અને ભારે હિમવર્ષાનો ભોગ બન્યા હોવાનું મનાય છે.
નેપાળ સરકાર અને ભારતીય એમ્બેસી દ્વારા બંનેના મૃતદેહોને વતન પરત લાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. કડોદ ગામમાં આ સમાચાર પછી શોકની લાગણી છવાઈ ગઈ છે અને સમગ્ર બારડોલી તાલુકા પર માદરું દુઃખ છવાયું છે.
