સુરત
Trending
સુરતમાં 3 માળની બિલ્ડિંગનો દાદર તૂટી પડ્યો: 19 રહીશો ફસાયા, LIVE રેસ્ક્યૂમાં ફાયર ટીમે તમામને સલામત બહાર કાઢ્યા
પાલનપુર જકાતનાકા નજીક સરસ્વતી પાર્કમાં હાહાકાર; લેડરથી બાળકો-વૃદ્ધોનો બચાવ, કોઈ જાનહાનિ નહીં

સુરતના પાલનપુર જકાતનાકા વિસ્તારમાં આવેલા સરસ્વતી પાર્ક ટાઉનશીપ માં શનિવારે મોટી દુર્ઘટના સામે આવી હતી. ટાઉનશીપની ત્રણ માળની રહેણાંક બિલ્ડિંગનો મુખ્ય દાદર અચાનક તૂટી પડ્યો, જેના કારણે એપાર્ટમેન્ટમાં રહેલા અનેક લોકો અંદર જ ફસાઈ ગયા. સદ્દનસીબે ફાયર વિભાગની ઝડપી અને સંકલિત કામગીરી ને કારણે કોઈ જાનહાનિ થઈ નથી .
એકમાત્ર બહાર નીકળવાનો રસ્તો બ્લોક
દાદર તૂટી પડતા રહેવાસીઓમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો, કારણ કે બિલ્ડિંગમાંથી બહાર નીકળવાનો એકમાત્ર માર્ગ સંપૂર્ણપણે બ્લોક થઈ ગયો હતો. ફસાયેલા લોકોએ તાત્કાલિક ફાયર કંટ્રોલને જાણ કરી, જેના આધારે અડાજણ, મોરાભાગલ અને પાલનપુર ફાયર સ્ટેશનોની ટીમો ઘટના સ્થળે દોડી ગઈ.
લેડરથી બાળકો અને વૃદ્ધોનો બચાવ
બિલ્ડિંગની ઊંચાઈ અને ફસાયેલા લોકોની સુરક્ષા ધ્યાનમાં રાખીને ફાયર જવાનોએ લેડરનો ઉપયોગ કરીને રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું.
GEBના વાયર નીચા હોવાથી હાઇડ્રોલિક પ્લેટફોર્મનો ઉપયોગ શક્ય ન બન્યો , જેથી જવાનોએ મેન્યુઅલ લેડર લગાવીને લોકોનો એક પછી એક બચાવ કર્યો.
ફાયર વિભાગે કુલ 19 લોકોને , જેમાં નાના બાળકો, મહિલાઓ અને વૃદ્ધો સામેલ હતા, સલામત બહાર કાઢ્યા. બીજા બ્લોકમાંથી 11 લોકોને અને આગળ-પાછળના ભાગેથી 8 લોકોને ઉતારી કુલ 19 લોકોનું સફળ રેસ્ક્યૂ કરવામાં આવ્યું.
– કાટમાળથી ભારે નુકસાન, કારણની તપાસ શરૂ
દાદરનો કાટમાળ નીચે પડતાં ભારે નુકસાન થયું. હાલ દાદર તૂટી પડવાનું ચોક્કસ કારણ સ્પષ્ટ નથી, પરંતુ બિલ્ડિંગની ગુણવત્તા, મેન્ટેનન્સ અને સ્ટ્રક્ચરલ સેફ્ટી અંગે સવાલો ઊભા થયા છે.
ફાયર વિભાગે ઝોનના ડેપ્યુટી એન્જિનિયરને સ્થળ પર બોલાવી તપાસ શરૂ કરી છે.




