કડોદરા ખાતે
ઘટનાસ્થળે લાંબી લાઇનમાં વાહનો અટવાઈ જતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો

પલસાણા તાલુકાના કડોદરા સીએનજી કટ નજીક નેશનલ હાઇવે 48 પર આજે સવારે એક મોટું કન્ટેનર પલટી જવાથી ટ્રાફિકમાં અવરોધ સર્જાયો હતો. ઘટનાસ્થળે લાંબી લાઇનમાં વાહનો અટવાઈ જતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ, નેશનલ હાઇવે 48 પર હાલ માર્ગ વિસ્તરણનું કામ ચાલુ હોવાથી સર્વિસ રોડ પર કેનાલ નજીક રોડ ખૂબ સાંકડો થઈ ગયો છે. આ ઉપરાંત વિસ્તારના ભારે વાહન પરિવહનને કારણે અહીં ટ્રાફિકની સમસ્યા ગંભીર બની ગઈ છે. ખાસ કરીને કેનાલની પાસે આવેલા વળાંક પર ભારે વાહનો માટે રસ્તો જોખમી બની ગયો છે.
આજરોજ એક કન્ટેનર ટ્રક કેનાલ નજીક વળાંક લેતી વખતે ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો , જેના કારણે કન્ટેનર રોડની બાજુમાં પલટી મારી ગયું. ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ નથી, પરંતુ કન્ટેનર પલટી જતાં હાઇવે પર ટ્રાફિક લાંબા સમય સુધી અટકી ગયો હતો.
ઘટનાની જાણ થતાં જ કડોદરા પોલીસ તથા હાઇવે પેટ્રોલિંગ દળ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યું હતું. પોલીસે ક્રેનની મદદથી કન્ટેનર દૂર કરવાની કામગીરી હાથ ધરી , તેમજ રસ્તા પર ઉભેલા વાહનોને ધીમે ધીમે ખસેડી ટ્રાફિક વ્યવસ્થા પુનઃસ્થાપિત કરી હતી.
સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું કે હાઇવે વિસ્તારના રોડ વર્કને કારણે છેલ્લા કેટલાક મહિનાઓથી વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે. સાંકડા માર્ગ અને બિનવ્યવસ્થિત ટ્રાફિકને કારણે નાના-મોટા અકસ્માતો વારંવાર બનતા રહે છે. તંત્રે આવી જગ્યાઓ પર ચેતવણી બોર્ડ અને સ્પીડ લિમિટના નિર્દેશો લગાવવાની માગ પણ કરી છે.
ઘટનાને પગલે પોલીસ તંત્ર દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.




