આમલેટની લારી અને પંકચરની દુકાનમાંથી પકડાયો ગાંજો — લારીગલ્લા હવે નશાના અડ્ડામાં ફેરવાઈ રહ્યા છે, ત્રણ શખ્સ ઝડપાયા!
બાતમીના આધારે ઉત્રાણ પોલીસે તાત્કાલિક દરોડો પાડી કાર્યવાહી કરી
સુરત,
શહેરમાં લારી-ગલ્લા અને સામાન્ય દુકાનોની આડમાં હવે ગાંજાનો ધંધો ચાલતો હોવાના ચોંકાવનારા કિસ્સાઓ સામે આવ્યા છે.
એક તરફ લોકો રોજગાર માટે આમલેટની લારી કે પંકચરની દુકાન ચલાવે છે, તો બીજી તરફ કેટલાક અસામાજિક તત્વો આવી દુકાનોનો ઉપયોગ નશાનો જથ્થો વેચવા માટે કરી રહ્યા છે.
ઉત્રાણ વીઆઈપી સર્કલ નજીક આવેલા પતરાના શેડમાં ચાલતી એક આમલેટ લારીમાં ગાંજો વેચાતો હોવાની બાતમી પોલીસને મળી હતી.
બાતમીના આધારે ઉત્રાણ પોલીસે તાત્કાલિક દરોડો પાડી લારી ચલાવનાર
મોહિત નાગેશ્વર મહાજન (રહે. દિવ્યલોક એપાર્ટમેન્ટ, રાજપુત ફળિયા, ઉત્રાણ)
અને ચિરાગ સાગર સોલંકી (રહે. કિર્તીનગર, ઉત્રાણ)
બે જણાને ઝડપી પાડ્યા હતા.
પોલીસે બંને પાસેથી 66.62 ગ્રામ ગાંજો મળ્યો હતો.
તપાસમાં જાણવા મળ્યું કે બંને ભાગીદારીમાં લારી ચલાવતા હતા અને આમલેટ વેચવાની આડમાં છુપે ગાંજો વેચતા હતા.
ડિંડોલીમાં પંકચરની દુકાન પરથી 804 ગ્રામ ગાંજો પકડાયો બીજી તરફ નવાગામ-ડિંડોલી મણીનગર રેલવે ટ્રેક પાસે આવેલી સાયકલ રિપેરીંગ અને પંકચરની દુકાનમાંથી પોલીસે રૂ. 40,200ની કિંમતનો 804 ગ્રામ ગાંજો જપ્ત કર્યો હતો.
દુકાન ચલાવનાર રાધાકાંત ભોલા પ્રસાદ ને પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસે કુલ રૂ. 45,880ના મુદ્દામાલ માં ગાંજો તથા મોબાઇલ ફોન કબજે કર્યા.
એક જ દિવસે શહેરભરમાંથી 3.20 લાખનો ગાંજો જપ્ત
ઉત્રાણ, ડિંડોલી, વરાછા અને ભેસ્તાન સહિત શહેર પોલીસએ એક જ દિવસે 3.20 લાખ રૂપિયાના ગાંજાનો જથ્થો જપ્ત કર્યો હતો.
આ બધા આરોપીઓએ કતારગામ નજીક રેલવે ટ્રેક પાસેથી ગાંજો લાવી
છુટક વેચાણ કરતા હોવાની કબૂલાત કરી છે.
નશા વિરુદ્ધ પોલીસની કાર્યવાહી ચાલુ
પોલીસે નશાકારક દ્રવ્યો વિરુદ્ધ શહેરવ્યાપી અભિયાન તેજ કર્યું છે ,
જેથી સામાન્ય દુકાનોની આડમાં ચાલતા આવા ગેરકાયદેસર ધંધાઓ પર રોક લગાવી શકાય.




