કામરેજ વિસ્તારમાં એક દુઃખદ ઘટના સામે આવી છે, જેમાં 31 વર્ષીય પરિણીતાનું ભૂલથી એસિડ પી લેવાના કારણે સારવાર દરમ્યાન મૃત્યુ થયું છે. કામરેજ પોલીસે આ મામલે અકસ્માત મૃત્યુનો ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, મૃતકા મિત્તલબેન સાગરભાઈ રાણોલીયા (ઉંમર 31) મૂળ જૂનાગઢ જિલ્લાના ખીજડીયા ગામના વતની હતા. તેઓ હાલ કામરેજના નવાગામ વિસ્તારમાં પાસોદરા પાટિયા નજીક આવેલા નવકાર રેસિડેન્સી, ફ્લેટ નં. એફ–104 માં પરિવાર સાથે રહેતા હતા.
ઘટના સમયે મિત્તલબેન ઘરે એકલા હતા ત્યારે તેમને અચાનક અસ્વસ્થતા અનુભવાઈ. ‘મગજ ફરવા લાગી’ તેવી સ્થિતિમાં તેમણે અજાણતામાં એસિડ પી લીધું હોવાનું પરિવારજનોએ જણાવ્યું.
## હોસ્પિટલમાં સારવાર છતાં બચી ન શક્યા
એસિડ પીધાની જાણ થતાં જ પરિવારજનો તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા. છતાં ગંભીર હાલતમાં પહોચેલી મિત્તલબેનને સારવાર દરમિયાન બચાવી શકાય ન હતી અને તેમનું મોત નિપજ્યું.
ઘટનાની જાણ કામરેજ પોલીસને થતા, પોલીસે સ્થળ તપાસ હાથ ધરી અને અકસ્માત મૃત્યુનો ગુનો નોંધ્યો છે. પોલીસ દ્વારા ઘટનાના તમામ પાસાંઓની તપાસ શરૂ કરાઈ છે.