સુરત
કીમ નજીક ટ્રેન અડફેટે મહિલાનું મોત
વંદના નામની મહિલા ઘટનાસ્થળે જ મોતને ભેટી; કઈ પરિસ્થિતિમાં અકસ્માત થયો તે દિશામાં તપાસ ચાલુ

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં કીમ ગામ નજીક રેલવે ટ્રેક ક્રોસ કરતી વખતે એક મહિલાનું ટ્રેનની અડફેટે આવી જતાં મોત થયું હતું. અડફાટ એટલો જોરદાર હતો કે મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું.
મૃતકની ઓળખ વંદના તરીકે
પોલીસ મુજબ મૃતક મહિલા વંદના , કીમ ગામની રહેવાસી હતી અને મૂળ ઉત્તર પ્રદેશની વતની હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત પછી સ્થાનિક લોકો દ્વારા તરત જ પોલીસને જાણ કરવામાં આવી હતી.
કીમ પોલીસ અને રેલવે પોલીસ સ્થળ પર દોડી
માહિતી મળતા જ કીમ પોલીસ અને રેલવે પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો લઇ આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે.
અકસ્માત કે આત્મહત્યા? તપાસ ચાલુ
હાલમાં મહિલા કઈ પરિસ્થિતિમાં ટ્રેક પર પહોંચી અને કેવી રીતે ટ્રેનની અડફેટે આવી તે બાબત સ્પષ્ટ થઈ નથી. પોલીસે અકસ્માત, બેદરકારી કે આત્મહત્યા જેવા તમામ સંભવિત પાસાઓની તપાસ હાથ ધરી છે.
ઘટનાની જાણ થતા જ મૃતક વંદનાના પરિવારજનો કીમ પહોંચ્યા હતા. પરિવાર પર શોકનો માહોલ છવાયો છે. રેલવે પોલીસ ઘટનાના ચોક્કસ કારણો જાણવા માટે વધુ તપાસ કરી રહી છે.




