સુરત
કીમ ચાર રસ્તા વિસ્તારનો સર્વિસ રોડ ખરાબ સ્થિતિમાં .. અકસ્માતનો જોખમ….
મુસાફરો માટે જોખમી સફર બની ગયો છે.

કીમ ચાર રસ્તા વિસ્તારનો સર્વિસ રોડ છેલ્લા ઘણા સમયથી ખરાબ સ્થિતિમાં છે. ‘મસ્ટ મોટા મોટા ખાડાઓ’ને કારણે આ રોડ હવે લોકો માટે રોજની એક જોખમી સફર બની ગયો છે. અનેક માઈલ લાંબા આ સર્વિસ રોડ પર જગ્યા જગ્યા ઊંડા ખાડાઓ પડતા રોજગારી માટે નીકળતા સામાન્ય લોકો થી લઈને સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓ સુધી દરેક જણ મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે.
સ્થાનિક લોકો દ્વારા અનેકવાર મૌખિક તેમજ લેખિત ફરીયાદો કરી હોવા છતાં NH-48ના અધિકારીઓ કોઈ કાર્યવાહી કર્યા વગર મૌનવ્રત પાળતા હોવાનું જનઆક્ષેપ છે. લોકોનો આરોપ છે કે અધિકારીઓ આંધળા-બહેરા બની ગયા છે અને જાણે કોઈ જાનહાની થાય તેની રાહ જોઈ રહ્યા હોય એવો લાગે છે.
ટ્રાફિકની સમસ્યા પણ દિવસેને દિવસે ગંભીર બનતી જાય છે. સર્વિસ રોડના ખાડાઓને કારણે વાહનો ધીમા થતા લાંબી લાઈનો લાગી જાય છે અને રોજબરોજ ટ્રાફિક જામ સર્જાય છે. અનેક વખત તો એમ્બ્યુલન્સ અને અગ્નિશામક વાહનો પણ આ ખાડાઓમાં ફસાઈ જતા મોડું પડતું રહે છે, જે ગંભીર ચિંતાનો વિષય છે.
વરસાદી મોસમ દરમિયાન આ ખાડાઓ પાણીથી ભરાઈ જાય છે, જેથી વાહનચાલકોને ખાડાનું અંદાજ લગાડવો મુશ્કેલ થાય છે અને અકસ્માતની શક્યતા અનેકગણી વધી જાય છે. સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ, “આ રોડ હવે સલામત રહ્યો નથી, રોજગારી માટે બહાર નીકળવું પણ પડકાર સમાન બન્યું છે.”
સ્થાનિક યુવાનો અને વેપારીઓએ સ્પષ્ટ કહ્યું છે કે —
“જો આગામી દિવસોમાં રોડની મરામત નહીં થાય તો મોટી જનઆંદોલનની તૈયારી થશે.”
લોકોમાં ઉઠતો મોટો પ્રશ્ન એક જ છે—
* NH-48ના જવાબદાર અધિકારીઓ હવે ક્યારે જાગશે?
* શું તંત્ર મૃત્યુ પામનારના આંકડાની રાહ જોઈ રહ્યું છે?જાહેર જનતાનો સુરક્ષા અધિકાર છે અને NH-48 વિભાગે તાત્કાલિક આ સર્વિસ રોડની મરામતનું આયોજન કરવું જોઈએ એવી સૌની માંગ છે.




