સુરત શહેરના હજીરા વિસ્તાર નજીક આવેલા મોરા અને દામકા ગામના દરિયાકાંઠે ફરી એકવાર મોટી સંખ્યામાં મૃત માછલીઓ મળી આવવાની ઘટના સામે આવી છે. છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં નિયમિતપણે મૃત માછલીઓ કિનારે આવતી હોવાને કારણે સ્થાનિક પર્યાવરણ અને માછીમારોની આજીવિકા પર ગંભીર અસર થઈ રહી છે. બે–ત્રણ વખત અગાઉ પણ આવા બનાવો બન્યા હોવા છતાં, હજુ સુધી કોઈ કાયમી ઉકેલ ન આવતા ગ્રામજનોએ સુરત પોલીસ કમિશનર સમક્ષ લેખિત રજૂઆત કરી છે.
ગ્રામજનોએ જણાવ્યું કે મોરા ગામમાંથી પસાર થતી ડ્રેનેજ લાઇનનું દૂષિત પાણી કોઈપણ પ્રોસેસ વગર સીધું દરિયામાં છોડવામાં આવે છે. અગાઉ બનેલાં બનાવોને પગલે GPCB દ્વારા લેવામાં આવેલા પાણીના સેમ્પલમાં દરિયામાં “ઓક્સિજન સ્તર 0” હોવાનું સામે આવ્યું હતું, જે દર્શાવે છે કે પ્રદૂષિત પાણીના કારણે માછલીઓને શ્વાસ લેવામાં તકલીફ પડી અને તેમનું મોત નિપજ્યું. જો કિનારે ટલી ખરાબ સ્થિતિ હોય તો દરિયાની અંદર જળચર જીવસૃષ્ટિ કેવી સ્થિતિમાં હશે, તે મુદ્દે મોટો પ્રશ્ન ઊભો થયો છે.
ગ્રામજનોએ રજૂઆત કરતાં જણાવ્યું કે આ પર્યાવરણીય પ્રદૂષણ માટે જવાબદાર તમામ તત્વો—વ્યક્તિ હોય કે સંસ્થા—વિરુદ્ધ કડક કાયદેસર કાર્યવાહી કરવામાં આવે. તેમણે માંગ કરી છે કે મૃત માછલીઓ તથા દરિયાઈ જીવસૃષ્ટિને થયેલા નુકસાન માટે જવાબદાર લોકો સામે ગુનો નોંધી સખત સજા કરવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી પ્રદૂષણકારી પ્રવૃત્તિઓ પર રોક લગાવી શકાય.