ગુજરાત કૉંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ પોલીસ કર્મચારીઓ અંગે કરેલા ‘પટ્ટા ઉતરવાના’ નિવેદન બાદ ઊભેલા વિવાદ વચ્ચે આજે ફરી એકવાર સ્પષ્ટ કર્યું કે તેઓ પોતાના નિવેદન પરથી “એક ઇંચ પણ હટી ગયા નથી.” અમદાવાદ ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં મેવાણીએ કહ્યું કે, “દારૂ-જુગારથી કમાતા હોય તેમના પટ્ટા ઉતરશે — હું આજે પણ આ વાત પર અડગ છું.”
મેવાણીએ જાહેરાત કરી કે કૉંગ્રેસ ટૂંક સમયમાં ખાસ હેલ્પલાઈન નંબર જાહેર કરશે, જેથી સામાન્ય લોકો દારૂ અને જુગાર સંબંધિત ફરિયાદો સરળતાથી નોંધાવી શકે.
તેમણે લોકોને અપીલ કરી કે,
“દારૂ-જુગારના કિસ્સા ક્યાંય જોતા હો, તો તેનો વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરો અને મને અથવા જિલ્લા/શહેર પ્રમુખને ટૅગ કરો — અમે તમને મદદ કરશું.”
મેવાણીએ ગુજરાતના દરિયાકાંઠે ઝડપાતી હજારો કરોડોની ડ્રગ્સ અંગે સરકાર સામે ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા.
તેમણે કહ્યું, “ડ્રગ્સના મોભીયાઓ સામે સરકાર કેમ મૌન છે? આ મુદ્દે ખાસ સત્ર બોલાવી શ્વેતપત્ર પ્રકાશિત કરવો જોઈએ.”
સાથે જ દ્વારકા–સોમનાથ જેવા ધાર્મિક વિસ્તારોની આસપાસ પણ દારૂ સરળતાથી મળતો હોવાનો આક્ષેપ કર્યો.
DGPનો પ્રતિભાવ – ‘મનોબળ તોડવા દઈશું નહીં’
રાજ્યના ડીજીપીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે,
“પોલીસ કર્મચારીઓનું મનોબળ તોડવાનો કોઈ પ્રયાસ કરે તો તેને ટોલરેટ કરવાની જરૂર નથી. ભૂલો ડિપાર્ટમેન્ટ દુરસ્ત કરે છે. બહારનો કોઈ વ્યક્તિ અધિકારીને ધમકી આપે અથવા હેય કરવા પ્રયત્ન કરે — તે સ્વીકાર્ય નથી.”
આગળ શું?
કૉંગ્રેસ ટૂંક સમયમાં હેલ્પલાઈન જાહેર કરશે, અને મેવાણી દારૂ–જુગાર તથા ડ્રગ્સ વિરુદ્ધ “આક્રમક અભિયાન” ચાલુ રાખશે તેવી જાહેરાત કરી છે.
વિવાદ વધતા હવે રાજકીય જૂથો સાથે કાયદો–વ્યવસ્થાની સંસ્થાઓ પણ સાવચેત બની ગઈ છે.