સુરત
Trending
પલસાણાના એના ગામે 9 મહિનાનું દીપડાનું બચ્ચું પાંજરે પુરાયું
ખેડૂતના મરઘાનો શિકાર કરવા આવતું દીપડાનું બચ્ચું વનવિભાગ–ટ્રસ્ટની સંયુક્ત કામગીરીથી કબજે, અન્ય દીપડાઓ પણ હોવાની શંકા

પલસાણા તાલુકાના એના ગામના ગોટીયા ફળિયામાં છેલ્લા કેટલાક સમયથી ખેડૂતના મરઘાનો શિકાર કરવા આવતા દીપડાનો આતંક મંડાતો હતો. ગોટીયા ફળિયામાં રહેતા વિજયભાઈ હળપતિ મરઘા પાલન કરે છે અને તેમના મરઘા પર ત્રણ જેટલા 9 મહિના ઉંમરના દીપડાના બચ્ચા વારંવાર હુમલો કરતા હતા.
વિજયભાઈએ આની જાણ ‘ ફ્રેન્ડ્સ ઓફ એનિમલ્સ વેલ્ફેર ટ્રસ્ટ ’ના પિયુષભાઈ હળપતિને કરી. પિયુષભાઈએ તાત્કાલિક ટ્રસ્ટ પ્રમુખ જતીન રાઠોડ અને પછી સામાજિક વનીકરણ રેન્જ (તેન) ના આર.એફ.ઓ. સુધાબેન ચૌધરીને જાણ કરી.
વનવિભાગ અને ટ્રસ્ટની ટીમે સ્થળ પર મારણ મૂકી પાંજરું ગોઠવ્યું . છેલ્લા બે દિવસથી દીપડાં રાત્રે 8 વાગ્યે આસપાસ દેખાતા હતા. તેમના વીડિયો પણ ખેડૂત દ્વારા કેદ કરવામાં આવ્યા હતા.
ગઈ રાત્રે, મરઘા ખાવાની લાલચમાં 9 મહિનાનું દીપડાનું બચ્ચું પાંજરે પુરાઈ ગયું . દીપડો પકડાયાની જાણ થતા આજુબાજુના ગામોમાંથી લોકો મોટી સંખ્યામાં સ્થળે ઉમટી પડ્યા, જેના કારણે ભારે ભીડ જામી.
જતીન રાઠોડ, કિરણ રાઠોડ અને વનકર્મી સુનિલભાઈ રાવલે સ્થળ પર પહોંચી પાંજરામાં પુરાયેલા દીપડાના બચ્ચાનો કબજો લીધો અને તેને તેન સામાજિક વનીકરણ રેન્જ ઓફિસ ખાતે લઈ જવામાં આવ્યું.
વિજયભાઈનું કહેવું છે કે દીપડો પાંજરે પુરાયા પછી ઘરના સભ્યો બહાર આવ્યા ત્યારે શેરડીના ખેતરમાં અન્ય દીપડાં જોરથી અવાજ કરી રહ્યા હતા , પરંતુ ભીડ વધતાં તે ભાગી ગયા.
ખેડૂતે બાકી રહેલા દીપડાં પકડવા માટે બીજું પાંજરું મૂકવાની વિનંતી વનવિભાગને કરી છે.
(હાઇલાઇટ)
├ સ્થળ: એના ગામ, ગોટીયા ફળિયા, પલસાણા
├ઉંમર: આશરે 9 મહિના
├કારણ: મરઘાનો શિકાર કરવા આવતું
├પકડનાર ટીમ: વનવિભાગ + ફ્રેન્ડ્સ ઓફ એનિમલ્સ વેલ્ફેર ટ્રસ્ટ
├ક્યાં લઈ જવામાં આવ્યો: તેન સામાજિક વનીકરણ રેન્જ ઓફિસ
├અન્ય દીપડાંની હાજરી: શેરડીના ખેતરમાં અવાજ સાંભળાયા




