સુરતમાં ખાદ્ય સુરક્ષાને લઈને ચોંકાવનારી ઘટના સામે આવી છે. જાણીતી ‘સુરભિ ડેરી’ દ્વારા રોજેરોજ બજારમાં 200 કિલો જેટલું નકલી પનીર વેચવામાં આવતું હતું , જે લોકોના આરોગ્ય માટે ધીમું ઝેર સાબિત થઈ રહ્યું હતું. સુરત એસઓજીએ દરોડા પાડી કુલ 955 કિલોગ્રામ શંકાસ્પદ પનીર જપ્ત કર્યું છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે ડેરીના માલિકે ખુદ કબૂલી લીધું છે કે પનીર નકલી હતું .
આ નકલી પનીર અસલી પનીરના ભાવ કરતાં અડધી કિંમતે — માત્ર ₹250 થી ₹270 પ્રતિ કિલો ભાવે વેચાતું હતું. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે નકલી પનીર બનાવવામાં ગ્લેશિયલ એસેટિક એસિડ નો ઉપયોગ થતો હતો, જે દૂધને ઝડપથી ફાડવા માટે વપરાય છે. આ રસાયણ શરીર માટે અત્યંત હાનિકારક છે અને લાંબા ગાળે લિવર, કિડની તથા પાચનતંત્રને નુકસાન પહોંચાડે છે.
🚔 SOGની કાર્યવાહી, 955 કિલો પનીર જપ્ત
DCP રાજદીપસિંહ નકુમ ને મળેલી ગુપ્ત બાતમીના આધારે એસઓજીની ટીમે સુરત મહાનગરપાલિકાના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સાથે સંયુક્ત દરોડા પાડ્યા હતા. સૌપ્રથમ ખટોદરા પોલીસ હદ વિસ્તારમાં આવેલ સોરઠિયા કંપાઉન્ડના ગોડાઉનમાં 755.621 કિલોગ્રામ પનીર મળી આવ્યું. આ પનીર વેચાણ માટે તૈયાર હાલતમાં હતું અને તેની બજાર કિંમત અંદાજે ₹1.81 લાખ આંકવામાં આવી છે.
ડેરીના સંચાલક શૈલેષભાઈ છગનભાઈ પટેલ ઘટના સમયે સ્થળ પર હાજર હતા. પોલીસની કડક પૂછપરછ બાદ તેમણે સ્વીકાર્યું કે આ પનીર ઓલપાડ તાલુકાના સાયણ સ્થિત મુખ્ય મેન્યુફેક્ચરિંગ યુનિટમાંથી મોકલાવવામાં આવ્યું હતું , જ્યાં દરરોજ નકલી પનીર બનાવવામાં આવતું હતું.
ખાદ્ય વિભાગની તપાસ ચાલુ
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે નમૂનાઓ લઈ ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલ્યા છે. પ્રાથમિક અંદાજ મુજબ, નકલી પનીર બનાવવામાં દૂધના સ્થાને રસાયણ અને વનસ્પતિ ફેટનો ઉપયોગ થતો હતો. અધિકારીઓએ જણાવ્યું છે કે આ પ્રકારનું પનીર શરીરમાં ધીમું ઝેર ભરી રહ્યું છે .
કાયદેસર કાર્યવાહી શરૂ
હાલ પોલીસએ ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળ ગુનો નોંધ્યો છે અને ડેરીના બંને યુનિટ સીલ કરી દીધા છે. સાથે જ સપ્લાય ચેન અને અન્ય ડેરીઓ સાથેના જોડાણોની પણ તપાસ હાથ ધરાઈ છે.