નિવૃત્ત મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી સંદિપ ખોપકરની ACB દ્વારા ધરપકડ
1.02 કરોડ જેટલી અપ્રમાણસર મિલકત મળી, નવસારી ACB દ્વારા ગુનો દાખલ

ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB)એ નવસારી ખાણ-ખનીજ વિભાગના નિવૃત્ત મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી સંદિપ મધુકર ખોપકર વિરુદ્ધ રૂપિયા 1,02,46,949ની અપ્રમાણસર મિલકત વસાવાના આરોપસર કાર્યવાહી કરી ધરપકડ કરી છે. તપાસમાં બહાર આવ્યું છે કે તેમની કુલ મિલકત તેમની કાયદેસરની આવક કરતાં 62.13 ટકા વધારે છે.
સંદિપ ખોપકર 1 જાન્યુઆરી 2009થી 30 નવેમ્બર 2018 સુધી નવસારી વિભાગમાં ફરજ બજાવતા હતા. આ સમયગાળા દરમિયાન તેમણે જાહેર સેવક તરીકેની સત્તાનો દુરુપયોગ કરી ગેરકાયદેસર રીતે આર્થિક લાભ મેળવ્યો હતો, એવી માહિતી ACBની તપાસમાં મળી આવી છે.
હાલમાં તેઓ વડોદરા ના માંજલપુર વિસ્તારની આમ્રપાલી સોસાયટીમાં રહે છે. ACBની તપાસમાં જાણવા મળ્યું છે કે આ સમય દરમ્યાન તેમણે મકાન ખરીદી, LIC પોલિસીઓને પ્રીમિયમ, PPF ખાતામાં જમા તથા પોતાના બેંક ખાતાઓમાંથી અનેક શંકાસ્પદ ટ્રાન્ઝેક્શનો દ્વારા મોટી રકમનું રોકાણ કર્યું હતું.
2021ની નિવૃત્તિ બાદ તપાસ તેજ બની
2018માં મળેલી ફરિયાદ પછી ACBએ તેમની સંપત્તિની સંપૂર્ણ તપાસ શરૂ કરી હતી. 2021માં નિવૃત્તિ બાદ તપાસ વધુ આગળ ધપાવી, અને તમામ દસ્તાવેજો, બેંકિંગ રેકોર્ડ, રોકાણ અને મિલકતના વિગતોનું વિસતૃત મૂલ્યાંકન કરી અંતે અપ્રમાણસર મિલકતનો પુરાવો મલ્યો.
ACB દ્વારા ગુનો દાખલ, 24 નવેમ્બરે ધરપકડ
ACB સુરતના આસિસ્ટન્ટ ડિરેક્ટર આર.આર. ચૌધરીએ જણાવ્યું કે મળી આવેલી મિલકત કાયદેસરની આવકની સરખામણીએ ઘણું વધારે હોવાથી ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, 1988ની કલમ 13(1)(ઇ) મુજબ ગુનો દાખલ થયો છે.
નવસારી ACBના પોલીસ ઇન્સ્પેક્ટર બી.ડી. રાઠવા તરફથી ફરિયાદ દાખલ કરવામાં આવતા 24 નવેમ્બરએ સંદીપ ખોપકરની ધરપકડ કરવામાં આવી હતી.




