બુટલેગર ‘બટકો’ પાસા હેઠળ ઝડપાયો: પલસાણા પોલીસે Ahmedabad જેલ હવાલે કર્યો
પલસાણા પોલીસને મોટી સફળતા મળી

સુરત જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા મજબૂત માટે પલસાણા પોલીસને મોટી સફળતા મળી છે. બુટલેગિંગ અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલ સંજય ઉર્ફે બટકો સિંઘને ‘ધ ગુજરાત પ્રિવેન્સન ઓફ એન્ટીસોશ્યલ એક્ટીવીટીઝ એક્ટ-1985’ હેઠળ પાસા (PASA) મુજબ અટકાયત કરવામાં આવી છે. આરોપીને અમદાવાદ મધ્યસ્થ જેલમાં હવાલે કરવામાં આવ્યો છે.
પોલીસ ઇન્સ્પેક્ટર બી.ડી. ઝીલરીયાના માર્ગદર્શન હેઠળ સંજયસિંઘ ઉર્ફે બટકો વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. 36 વર્ષીય બટકો પલસાણા વિસ્તારનો રહીશ છે અને વિદેશી દારૂની હેરાફેરી તેમજ શરીર સંબંધિત ગુનાઓમાં સંડોવણી હોવાને કારણે તેની સામે કાર્યવાહી જરૂરી બની હતી.
સુરત જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ ડૉ. સૌરભ પારધીએ પોલીસની દરખાસ્તને મંજૂરી આપી અને પાસા વોરંટ ઇશ્યુ કર્યો. જેના આધારે પલસાણા પોલીસ ટીમે ઝડપી કાર્યવાહી શરૂ કરી.
કોન્સ્ટેબલ અમૃતભાઈ ધનજીભાઇ, વિક્રમભાઇ ગંધુભાઇ અને નિલેશભાઇ જગદીશભાઇને બાતમી મળી હતી કે બટકો પલસાણા ગામની સીમ નજીક મેઘા પ્લાઝાની તરફ જતા રોડ પર જોવા મળ્યો છે. પોલીસદળે તાત્કાલિક રેડ કરી આરોપીને કાબૂમાં લીધો.
ધરપકડ બાદ તમામ કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરીને સંજય ઉર્ફે બટકોને અમદાવાદ મધ્યસ્થ જેલ મોકલી દેવામાં આવ્યો છે.
પલસાણા પોલીસે જણાવ્યું કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામેની આ કામગીરી આગળ પણ ચાલુ રહેશે.




