Uncategorized
Trending
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકા નજીક આવેલા સાયખા GIDCમાં બોઇલર બ્લાસ્ટનો મામલો
કાટમાળ હટાવતા ત્રીજો મૃતદેહ મળ્યો, સરપંચે તંત્ર અને GPCB સામે આક્ષેપો કર્યા

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકા નજીક આવેલા સાયખા GIDC વિસ્તારમાં આવેલી વિશાલ્યાકરની ફાર્મા કેમ કંપનીમાં ગઈ રાત્રે 2.30 વાગ્યે થયેલા ભયાનક બોઇલર બ્લાસ્ટ પછી ઉદ્યોગ વિસ્તાર ધણધણી ઉઠ્યો હતો. આ વિસ્ફોટમાં અત્યાર સુધી ત્રણ શ્રમિકોના મોત થયા છે, જેમાંથી ત્રીજો મૃતદેહ આજે કાટમાળ હટાવતી વખતે મળી આવ્યો હતો. ઉપરાંત 24 જેટલા શ્રમિકો ઇજાગ્રસ્ત થયા છે.
મૃતક શ્રમિકોની ઓળખ મનીષકુમાર અરવિંદકુમાર મંડલ (22, મૂળ બિહાર) , ધર્મેન્દ્ર નંદકિશોર મહોર (32, રહે. અમદાવાદ) અને સુરજ રાજકુમાર નિશાદ (મૂળ ઉત્તર પ્રદેશ) તરીકે થઈ છે.
બ્લાસ્ટની તીવ્રતાથી કંપનીનું માળખું ધરાશાયી થઈ જતા બચાવદળોને કાટમાળ હટાવવામાં ભારે મુશ્કેલીઓ પડી હતી.
અન્ય 4–5 કંપનીઓને પણ નુકસાન
ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગના અધિકારીઓ મુજબ, રાત્રે ટોલ્વીન કેમિકલની કામગીરી દરમિયાન લગભગ ત્રણ ટન સામગ્રીમાં વિસ્ફોટ થયો હતો. તેની અસરથી આસપાસની 4થી 5 યુનિટ્સને નુકસાન થયું હતું.
-કાટમાળ હટાવ્યા બાદ કારણ બહાર આવશે
રાહત અને બચાવ માટે 4થી 5 ફાયર ટેન્ડર અને વહીવટી તંત્ર ની ટીમો સ્થળ પર પહોંચી ગઈ હતી.
હાલ ફેક્ટરી ઇન્સ્પેક્ટર દ્વારા તપાસ હાથ ધરાઈ છે અને સલામતીના નિયમોનું પાલન થયું હતું કે નહીં તેની સઘન તપાસ ચાલી રહી છે. અધિકારીઓએ જણાવ્યું કે કાટમાળ હટાવ્યા બાદ જ બ્લાસ્ટનું ચોક્કસ કારણ જાણી શકાય .
“કંપની કોઈ મંજૂરી વગર ચલાવાતી હતી” — સરપંચ
સાયખા ગામના સરપંચ જયવીરસિંહે આ ઘટનાને લઈને તંત્ર અને GPCB સામે ગંભીર આક્ષેપો કર્યા છે.
તેમના જણાવ્યા મુજબ, કંપની કોઈ મંજૂરી વગર કાર્યરત હતી, છતાં સંબંધિત તંત્રોએ કોઈ કાર્યવાહી કરી નહોતી. સરપંચે ચેતવણી આપી કે જો તંત્ર તાત્કાલિક પગલાં નહીં લે તો સ્થાનિક લોકો ઉગ્ર આંદોલન કરશે.
બે મહિના પહેલા પણ આગ લાગી હતી
ઉલ્લેખનીય છે કે, બે મહિના અગાઉ પણ સાયખા GIDCની બીજી કંપનીમાં આગ લાગી હતી.
તે સમયે માર્ગવ્યવસ્થાની ખામીને કારણે ફાયર ટેન્ડરોને પહોંચવામાં વિલંબ થયો હતો.
સતત બનતી આવી દુર્ઘટનાઓ ઔદ્યોગિક સલામતી અને તંત્રની બેદરકારી અંગે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે.
મુખ્ય મુદ્દા એક નજરે:
* ઘટના સ્થળ: સાયખા GIDC, ભરૂચ જિલ્લો
* મૃત્યુઆંક: 3 શ્રમિકો
* ઇજાગ્રસ્ત: 24 જેટલા
* કારણ: ટોલ્વીન કેમિકલ કામગીરી દરમિયાન બોઇલર બ્લાસ્ટ
* નુકસાન: આસપાસની 4–5 યુનિટ્સને અસર
* આક્ષેપ: કંપની મંજૂરી વિના ચલાવાતી — સરપંચ
* તપાસ: ફેક્ટરી ઇન્સ્પેક્ટર અને GPCB દ્વારા ચાલુ




