ભરૂચની સાયખા GIDCમાં વિકરાળ આગ:બોઈલર બ્લાસ્ટથી હાહાકાર — 3 શ્રમિકોના કરૂણ મોત, 24 ઇજાગ્રસ્ત
રાત્રે લગભગ 2.30 વાગ્યે અચાનક કંપનીના બોઈલરમાં પ્રચંડ વિસ્ફોટ થતા આખા વિસ્તારને ધ્રુજાવી નાખ્યો

ભરૂચ જિલ્લાના સાયખા GIDC ખાતે આવેલી ફાર્માસ્યુટિકલ ઉત્પાદક વિશાલ્યકર ફાર્માકેમ કંપની માં મંગળવારની મધરાતે ભયાનક દુર્ઘટના બની હતી. રાત્રે લગભગ 2.30 વાગ્યે અચાનક કંપનીના બોઈલરમાં પ્રચંડ વિસ્ફોટ થતા આખા વિસ્તારને ધ્રુજાવી નાખ્યો હતો. વિસ્ફોટ પછી ભીષણ આગ ફાટી નીકળતા ત્રણ શ્રમિકોના મોત થયા છે, જ્યારે 24 જેટલા શ્રમિકો તથા આસપાસની કંપનીઓના કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા છે.
બ્લાસ્ટનો અવાજ કિલોમીટર દૂર સુધી સંભળાયો
પ્રાપ્ત માહિતી મુજબ, બોઈલર બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે તેનો અવાજ અનેક કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. વિસ્ફોટની તીવ્રતા એટલી હતી કે તેની અસર આસપાસ આવેલી 4 થી 5 અન્ય કંપનીઓ પર પણ પડી હતી. કેટલાંક ગોડાઉનના શેડ તૂટી પડ્યા હતા અને વિંડોઝના કાચ ફાટી ગયા હતા. ઘટનાસ્થળે તરત જ ભયનો માહોલ છવાઈ ગયો હતો.
ફાયર બ્રિગેડની ભારે જહેમત બાદ આગ કાબુમાં
બ્લાસ્ટ બાદ કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળતાં રાત્રે જ સાયખા, દહેજ અને ભરૂચ ફાયર વિભાગની ટીમો ઘટનાસ્થળે દોડી આવી હતી. કલાકો સુધી ચાલેલી કામગીરી બાદ ફાયરકર્મીઓએ આગ પર કાબુ મેળવ્યો હતો. આગ કાબુમાં આવ્યા બાદ કુલિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, કારણ કે રસાયણિક પદાર્થો હોવાને કારણે ફરી આગ લાગવાની શક્યતા હતી.
ઇજાગ્રસ્તોને ખસેડાયા હોસ્પિટલમાં
આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા 24 જેટલા શ્રમિકોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક સારવાર બાદ ગંભીર રીતે ઇજાગ્રસ્ત કેટલાક લોકોને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. મૃતક શ્રમિકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે અને બાદમાં તેમના પરિજનોને સોંપવામાં આવશે.
તપાસમાં લાગ્યું વહીવટી તંત્ર
ઘટનાની જાણ થતાં જ મામલતદાર, પોલીસ અધિકારીઓ અને GIDCના પ્રતિનિધિઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. હાલમાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે અને બોઈલર બ્લાસ્ટના ચોક્કસ કારણો જાણવા તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તારણ મુજબ, બોઈલરમાં દબાણ વધવાથી વિસ્ફોટ થયો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.


