કોસંબા નજીક કઠવાડા ગામની ખાડીમાં ફેક્ટરીઓ દ્વારા છોડાતા કેમિકલયુક્ત પ્રદૂષિત પાણીના કારણે મોટા પાયે માછલીઓના મોત થતાં ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. ઘટના ગંભીર બને ત્યારબાદ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)ના અધિકારીઓ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી અને ખાડીના પાણીના નમૂનાઓ એકત્ર કર્યા હતા.
માહિતી મુજબ, માંગરોળ તાલુકાના કઠવાડા ગામની સીમમાંથી પસાર થતી આ ખાડી સ્થાનિક ખેડૂતો માટે સિંચાઈનું મહત્વનું સ્રોત છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી નજીકની ઉદ્યોગિક યુનિટ્સ દ્વારા કેમિકલયુક્ત ગંદુ પાણી ખાડીમાં છોડવામાં આવી રહ્યું છે, જેનો પ્રવાહ નહેર સુધી પહોંચી રહ્યો છે. આ ઝેરી પાણીના કારણે ખાડીમાં માછલીઓના સેકડો મોત થયા છે.
પશુપાલકોની ચિંતા પણ વધી છે, કારણ કે પશુઓ આ જ ખાડીનું પાણી પીતા હોવાથી તેમના સ્વાસ્થ્ય પર ગંભીર અસર થવાની ભીતિ છે. સ્થાનિક રહીશોએ ફેક્ટરી પ્રબંધકો સામે રોષ વ્યક્ત કરી કોસંબા પોલીસ મથકે લેખિત રજૂઆત કરી છે.
મામલો ગંભીર બનતા માંગરોળના ધારાસભ્ય ગણપત વસાવાને પણ ગ્રામજનોએ જાણ કરી હતી. તેમના હસ્તક્ષેપ બાદ GPCBની ટીમ તાત્કાલિક પહોંચી અને તપાસ શરૂ કરી.
ગ્રામજનોએ ચેતવણી આપી છે કે જો ફેક્ટરી માલિકો આગામી દિવસોમાં ગંદા પાણીનો યોગ્ય નિકાલ નહીં કરે અને પ્રદૂષણ ચાલુ રહેશે, તો તેઓ ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરશે.