ચાલથાણ સુગર મિલની સીઝન પહેલાં જ ઓવરલોડ શેરડી ટ્રકનો ભયંકર અકસ્માત – NH-48 પર ટ્રાફિક જામ
કરણ ગામ નજીક ટ્રક પલટી ખાઈ – ડ્રાઈવર અને ક્લીનરને ઈજા, ટનબંધ શેરડી રસ્તા પર ફેલાતા હાઈવે જામ


સુરત
ચાલથાણ સુગર મિલની પિલાણ સીઝન શરૂ થવાની પહેલાં જ ઓવરલોડ શેરડી ભરેલા વાહનોના અકસ્માતોનો સિલસિલો શરૂ થયો છે. ગઈ રાત્રે નેશનલ હાઈવે નંબર 48 (NH-48) પર કરણ ગામના પાટિયા નજીક એક ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં શેરડીથી ભરેલી ટ્રક પલટી ખાઈ જતાં ડ્રાઈવર અને ક્લીનરને ઈજા પહોંચી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, ટ્રક નંબર GJ-19-Y-0458 પલસાણા તરફથી ચાલથાણ સુગર મિલ તરફ શેરડી લઈને જઈ રહી હતી. કરણ ગામ પાસે આવેલા પેટ્રોલ પંપની સામે હાઈવે પર ટ્રક પરથી કાબૂ ગુમાવતાં તે પલટી મારી ગઈ હતી. અકસ્માત બાદ સ્થાનિકો અને રાહદારીઓએ તાત્કાલિક મદદરૂપ બની ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલ ખસેડ્યા હતા.
ટ્રક પલટી જતા ટનબંધ શેરડીનો જથ્થો રસ્તા પર ફેલાઈ ગયો હતો, જેના કારણે NH-48 પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. પલસાણાથી કડોદરા તરફનો માર્ગ કલાકો સુધી બ્લોક રહ્યો હતો, જેના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
ઘટનાની જાણ થતાં જ પોલીસ અને સ્થાનિક તંત્રના અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા અને ટ્રક હટાવવાની કામગીરી હાથ ધરી હતી. અનેક કલાકોની મહેનત બાદ જ ટ્રાફિક વ્યવસ્થા પૂર્વવત થઈ હતી.
સુગર મિલની સીઝન શરૂ થતાં પહેલાં જ આવા ઓવરલોડ શેરડી વાહનોના અકસ્માતો ચિંતાનો વિષય બન્યા છે. સ્થાનિક ખેડૂતો અને નાગરિકોએ માર્ગ સલામતી અને ઓવરલોડિંગ પર કડક નિયંત્રણ લાવવાની માંગ ઉઠાવી છે. વારંવાર થતા આવા અકસ્માતો જાહેર માર્ગો પર જાનમાલ માટે ગંભીર જોખમ ઊભું કરી રહ્યા છે.




