ONGCમાં નોકરીના બહાને વડોદરાની ગૃહિણી સાથે 18 લાખની ઠગાઈ
ઈલેક્ટ્રીકલ એન્જિનિયર મહિલાને બોગસ જોઇનિંગ લેટર આપનાર સુરતના દંપતીની ધરપકડ

સુરતના કતારગામ વિસ્તારમાં રહેનાર વડોદરાની ઈલેક્ટ્રીકલ એન્જિનિયર ગૃહિણી સાથે નોકરીના બહાને રૂ. 17.80 લાખની ઠગાઈ કરનાર દંપતીને કતારગામ પોલીસે પકડી પાડ્યું છે. દંપતીએ મહિલાને ONGCમાં નોકરી અપાવવાનું કહી મોટી રકમ પડાવી અને ખોટું જોઈનિંગ લેટર આપ્યું હતું.
મળતી માહિતી મુજબ, કતારગામ વિસ્તારમાં પિયરમાં રહેવા આવેલી વડોદરાની ઈલેક્ટ્રીકલ એન્જિનિયર મહિલાને કતારગામના રહેવાસી નિર્મળ રઘુભાઈ ધાનાણી (ઉંમર 37, મૂળ આણંદપુર, તા. વલ્લભીપુર, જિ. ભાવનગર) અને તેની પત્ની કિંજલ ધાનાણી એ ONGCમાં નોકરી અપાવવાની લાલચ આપી હતી. દંપતીએ રૂ. 17.80 લાખ લઈ ખોટું જોઇનિંગ લેટર આપ્યું હતું.
મહિલા જ્યારે ONGC ઓફિસમાં તપાસ કરવા પહોંચી ત્યારે ખોટું લેટર હોવાનું બહાર આવ્યું. ત્યારબાદ મહિલાએ પૈસા પરત માગ્યા ત્યારે દંપતીએ ધમકી આપી હતી.
ઘટના બાદ મહિલાએ 26 સપ્ટેમ્બરના રોજ કતારગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસએ તપાસ હાથ ધરી 8 નવેમ્બરના રોજ દંપતીની ધરપકડ કરી હતી. કતારગામ પોલીસે બંને સામે છેતરપિંડીનો ગુનો દાખલ કર્યો છે અને વધુ તપાસ પીએસઆઈ પી.જી. વાઘેલા કરી રહ્યા છે.



