સુરત
Trending
અમદાવાદમાં PI દ્વારા 19 વર્ષીય યુવતી સાથે લિફ્ટમાં છેડછાડનો આક્ષેપ,વેજલપુર પોલીસમાં FIR નોંધાઈ
લિફ્ટ બંધ થતાં જ ખભા પર હાથ મૂકીને અડપલાં કર્યાનું યુવતીનું નિવેદન; ગાંધીનગર કંટ્રોલરૂમમાં ફરજ બજાવતા PI બરકતઅલી ચાવડા સામે છેડતીનો કેસ નોંધાયો

અમદાવાદ: શહેરના વેજલપુર પોલીસ સ્ટેશનમાં એક પોલીસ ઇન્સ્પેક્ટર સામે છેડતીની ગંભીર ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ છે. 19 વર્ષની યુવતીએ વિશાલા વિસ્તારના એક એપાર્ટમેન્ટની લિફ્ટમાં PI બરકતઅલી ચાવડાએ તેના ખભા પર હાથ મૂકીને અડપલાં કર્યાનો આક્ષેપ કર્યો છે.
માહિતી મુજબ, PI ચાવડા લિફ્ટમાં જઈ રહ્યા હતા ત્યારે યુવતી પણ સાથે હતી. લિફ્ટ થોડા સમય માટે બંધ થતા PIએ યુવતીના ખભા પર હાથ મૂકીને શારીરિક અડપલાં કર્યાં હતાં, એવો આક્ષેપ છે. લિફ્ટ છઠ્ઠા માળે પહોંચતા અન્ય લોકો ચઢતા PI તરત જ લિફ્ટમાંથી નીકળી ગયા હતા.
આ ઘટનાથી ગભરાઈ ગયેલી યુવતીએ તરત જ 181 અભયમ હેલ્પલાઇનનો સંપર્ક કર્યો હતો. ટીમે કાઉન્સેલિંગ બાદ યુવતીને કાયદાકીય પ્રક્રિયા સમજાવી હતી, ત્યારબાદ યુવતીએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસએ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
આરોપી PI હાલ ગાંધીનગર કંટ્રોલરૂમમાં ફરજ બજાવે છે. પોલીસ ઘટનાની સીસીટીવી ચકાસણી તેમજ નિવેદનોના આધારે તપાસ આગળ ધપાવી રહી છે.




