રાજ્યના ચાર મુખ્ય એરપોર્ટ—અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ—પર ઇન્ડિગોની કટોકટી ત્રીજા દિવસે પણ યથાવત રહી છે. પાઇલટ્સ અને ક્રૂ મેમ્બર્સની અછતને કારણે કુલ 106 ફ્લાઇટ રદ થતાં મુસાફરો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. અનેક સ્થળોએ મુસાફરોના ગુસ્સાનો વિસ્ફોટ જોવા મળ્યો છે.
અમદાવાદ એરપોર્ટ પર વહેલી સવારથી જ ભારે ભીડ જોવા મળી હતી. ફ્લાઇટ્સ રદ થવાથી સામાન્ય મુસાફરો સાથે-साथ વિદેશ જનારાઓ, લગ્ન પ્રસંગે જઈ રહેલા લોકો અને હનીમૂન પર જનાર દંપતિઓ પણ મુશ્કેલીમાં મુકાયા.
લગેજ કાઉન્ટર પાસે મુસાફરોની લાઈન વધતી જતાં પરિસ્થિતિ વધુ તંગ બની. ઘણા મુસાફરો ગુમ થયેલા લગેજની ફરિયાદો કરતાં જોવા મળ્યા.
લગાતાર ફ્લાઇટ રદ, સમયસર માહિતી ન મળવી અને લગેજની ગેરવહીવટને કારણે મુસાફરોમાં ભારે અસંતોષ છે. ઘણા મુસાફરોએ એરલાઇન મેનેજમેન્ટની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે અને વળતરની માંગ પણ કરી છે.
હૈદરાબાદથી સુરત આવતી ઈન્ડિગોની ફ્લાઈટ કેન્સલ કરવામાં આવી છે. આ સાથે જ દિલ્હીથી સુરત આવતી ઇન્ડિગોની ફ્લાઈટને બેંગલુરુ ડાઇવર્ટ કરી દેવામાં આવી છે. આ સાથે જ આજે બપોર બાદની બેંગલુરુ, જયપુર, ગોવા અને કોલકાતાથી સુરત આવતી ફ્લાઈટનું પણ કોઈ ઠેકાણું નથી, જેના પગલે સુરતથી દિલ્હી, બેંગલુરુ, જયપુર, ગોવા, અને કોલકાતા જતી ફ્લાઈટોનું પણ હજુ કોઈ શિડ્યૂલ સામે આવ્યું નથી.