સુરત
Trending

સુરતના પુણા વિસ્તારમાં પ્રસૂતા માતાનું મોત : પરિવારનો બેદરકારીનો આક્ષેપ, હોસ્પિટલમાં હોબાળો

સીજેરિયન બાદ તબિયત બગડી, ICUમાં થયું મોત

સુરતના પુણા વિસ્તારમાં આવેલી સદવિચાર જનરલ હોસ્પિટલમાં બે જોડીયા બાળકોને જન્મ આપ્યા બાદ 30 વર્ષીય નિકિતા નિકુલગિરી ગોસ્વામીનું મોત થતાં પરિવારમાં શોક અને ગુસ્સાનો માહોલ જોવા મળ્યો છે. મૃતકના પરિવારજનો હોસ્પિટલની મહિલા ડોક્ટર પર બેદરકારીના ગંભીર આક્ષેપો કરી રહ્યા છે તથા જવાબદાર સામે ગુનો નોંધવાની માંગ સાથે મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો છે.
મૂળ અમરેલીની અને હાલ સુરતના સણીયા હેમાદના ઓમ રેસિડેન્સીમાં રહેતી નિકિતા ગોસ્વામી ગત 30 નવેમ્બરે પ્રસૂતિની પીડા ઉપડતા સદવિચાર જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. 1 ડિસેમ્બરની સાંજે સીજેરિયન ડિલિવરી દ્વારા તેણીએ જોડીયા બાળકોને જન્મ આપ્યો હતો. જોકે ડિલિવરી બાદ નિકિતાની તબિયત અચાનક ખરાબ થતા તેને ICUમાં ખસેડવામાં આવી, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું.
પરિવારજનોએ જણાવ્યું મુજબ, બંને નવજાત બાળકોની હાલત પણ ક્રિટિકલ છે. એક બાળકને કાચની પેટીમાં રાખવામાં આવ્યું છે, જ્યારે બીજું બાળક વેન્ટિલેટર પર સારવાર લઈ રહ્યું છે.
માતાના અચાનક મોત બાદ પરિવારજનોએ ડોક્ટર વીણાબેન કડેલ સહિત હોસ્પિટલ સ્ટાફ પર બેદરકારીના આક્ષેપો કરતા હોબાળો મચાવ્યો હતો. ઘટનાની જાણ થતાં પુણા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને પરિસ્થિતિ કાબુમાં લીધી. પોલીસે મહિલા ડોક્ટરને પણ પૂછપરછ માટે હોસ્પિટલમાંથી લઈને જવાના આક્ષેપો પરિવાર તરફથી કરવામાં આવ્યા છે.
મૃતક નિકિતાની સગી હેતલબેન ગોસ્વામીએ જણાવ્યું કે માતાને સારવાર આપવામાં નિષ્કાળજી દાખવવામાં આવી છે. સાથે સાથે હવે બંને નવજાતોના પાલનપોષણ માટે વળતર આપવાની પણ માંગ કરવામાં આવી છે. પરિવારજનોએ પોલીસને ન્યાય અપાવવા લેખિત રજૂઆત કરી છે.

મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો, તપાસ ACPને સોંપાઈ

પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડ્યો છે. પરિવાર તરફથી મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર થતા તેમને સમજાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. સમગ્ર કેસની તપાસ ACP પી.કે. પટેલને સોંપવામાં આવી છે. હોસ્પિટલ તરફથી આક્ષેપો અંગે કોઈ સત્તાવાર નિવેદન મળ્યું નથી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!