સુરત નજીક કામરેજ ચારરસ્તા પાસે આજે વહેલી સવારે બનેલા માર્ગ અકસ્માતમાં પાંડેસરાની 45 વર્ષની ડિમ્પલબેન રાજેશભાઈ પટેલનું ઘટનાસ્થળે જ દુઃખદ અવસાન થયું હતું. બાઇકચાલકને બચાવવાના પ્રયાસમાં કાર ચાલકનો સંતુલન બગડતાં કાર સીધી રોડ પરથી ઉતરી સિમેન્ટના વીજપોલ સાથે જોરદાર ધડાકા સાથે અથડાઈ હતી.
ડિમ્પલબેન તેમના પુત્રો મલય અને હર્શિલ સાથે દાંડી રોડ, સુમન વાણી ખાતે રહેતા હતા. તેઓ કામરેજ ખાતે બહેનપણીના ઘરે જઈ સુરત પરત ફરી રહ્યા હતા. કામરેજ ચારરસ્તા નજીક તેઓ રાજેશભાઈના પરિચિત તથા પુણાના પ્રતીક પ્રવીણભાઈ પરમારની સ્વીફ્ટ કાર (GJ05RB-0084)માં જોડાયા હતા.
પ્રતીક પરમાર તેમના મિત્ર યોગેશ પઢિયાર સાથે કામરેજથી સુરત તરફ જતાં હતાં. લાડવી નજીક વલથાણ-સુરત રોડ પર એક બાઇકચાલક અચાનક સામે આવતાં તેને બચાવવા કાર ચાલકે તાત્કાલિક બ્રેક તથા વળાંક લીધો હતો. પરંતુ કાબૂ ગુમાવતા કાર વીજપોલ સાથે અથડાઈ હતી.
અકસ્માત એટલો ભયંકર હતો કે પાછળની સીટ પર બેઠેલી ડિમ્પલબેનને માથા અને મોઢા પર ગંભીર ઇજાઓ થઈ હતી અને ઘટના સ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું. કાર ચાલક પ્રતીકને સામાન્ય ઇજા થઈ હતી, જ્યારે આગળની સીટ પર બેઠેલા યોગેશને પાંસળીમાં ઈજા પહોંચી હતી.
ઘટના બાદ ડિમ્પલબેનના પતિ રાજેશ પટેલે પુણા હરિજન વસાહતમાં રહેતા કાર ચાલક પ્રતીક પરમાર વિરુદ્ધ કામરેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. કામરેજ પોલીસએ ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.