ભરૂચ જિલ્લાના ઝઘડિયા અને સંઘપ્રદેશ દાદરા-નગર હવેલીમાં બે અલગ અલગ આગ અને વિસ્ફોટની ગંભીર ઘટનાઓ સામે આવતાં ઉદ્યોગ વિસ્તારોમાં હાહાકાર મચી ગયો છે. દાદરા ગામ ખાતે આવેલી લીઝા ઇન્ડસ્ટ્રી , પ્લાસ્ટિક પ્રોડક્ટ્સ બનાવતી એક યુનિટમાં આજે વહેલી સવારે ભીષણ આગ ફાટી નીકળતાં ભારે દોડધામ મચી ગઈ. બીજી તરફ ઝઘડિયા GIDCમાં આવેલી નાઇટ્રેક્સ કંપની માં રસાયણિક પ્રક્રિયા દરમિયાન અચાનક બ્લાસ્ટ થતા એક મજૂરનું મોત નીપજ્યું અને એક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે.
લીઝા ઇન્ડસ્ટ્રીમાં પ્લાસ્ટિક પ્રોડક્ટ્સની ભરમાર હોવાથી આગે કુદરતી રીતે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. શરૂઆતના જ મિનિટોમાં કંપનીની અંદર નાના–મોટા વિસ્ફોટ થવા લાગ્યા, જેના કારણે બાજુની અન્ય કંપનીઓ પણ આગની ઝપેટમાં આવી ગઈ. જ્વાળાઓ એટલી ઉંચી હતી કે દૂરથી જ ધુમાડાના મોટા ગોટેગોટા દેખાઈ રહ્યા હતા.
ફાયર વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર અમરત લાલે જણાવ્યું કે, સ્થાનિક તેમજ વાપી અને સગીગામના ફાયર ફાઇટર્સ ને પણ બોલાવવામાં આવ્યા હતા. પ્લાસ્ટિકના કારણે આગ કાબૂમાં લેવામાં મુશ્કેલી પડી, પરંતુ સતત પ્રયાસોથી આગ નિયંત્રણમાં આવી ગઈ છે અને હાલ કુલિંગની કામગીરી ચાલી રહી છે.
પોલીસ દ્વારા આસપાસના જોખમી વિસ્તારોને ખાલી કરાવી દેવામાં આવ્યા હતા જેથી કોઈ જાનહાનિ ન થાય. આગનું કારણ પ્રાથમિક રીતે સ્પષ્ટ નથી અને તપાસ ચાલુ છે.
ઝઘડિયા GIDCમાં બ્લાસ્ટ — એકનું મોત, એક ગંભીર
બીજી તરફ ભરૂચના ઝઘડિયા GIDCમાં આવેલી નાઇટ્રેક્સ કંપનીમાં આજે સવારે રસાયણિક પ્રક્રિયા વચ્ચે જોરદાર વિસ્ફોટ થયો. બ્લાસ્ટનો અવાજ વિસ્તારભરમાં સંભળાતા જ પ્લાન્ટમાં અફરાતફરી મચી ગઈ.
વિસ્ફોટ સમયે કામ પર રહેલા બે મજૂરોમાં મોટા સાંજા ગામના દિનેશ વસાવાનું સ્થળ પર જ મોત થયું, જ્યારે ભિલોડ ગામના મહેશ વસાવા ને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયો છે.
બ્લાસ્ટ બાદ કંપનીના પરિસરમાંથી ઉઠેલા ધુમાડાના ઘેરા ગોટેગોટા દૂર સુધી દેખાતા સ્થાનિકોમાં ભય ફેલાયો હતો. ઘટના બાદ ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ તથા ઝઘડિયા પોલીસ સ્થળ પર પહોંચી કારણોની તપાસ શરૂ કરી છે. પ્રાથમિક અંદાજ મુજબ ટેક્નિકલ ખામી કે રસાયણિક પ્રતિક્રિયા બ્લાસ્ટનું કારણ હોઈ શકે છે, પરંતુ સત્તાવાર કારણ તપાસ બાદ જાહેર થશે.