સુરત
Trending
કસોલથી કારમાં ચરસ લઇ સુરત આવ્યા: ફાઇનાન્સર સહિત ત્રણ ઝડપાયા, મુખ્ય આરોપીનો ભાઈ અગાઉ દિલ્હી Drugs કેસમાં પકડાયો
ક્રાઇમ બ્રાંચનો મોટો પર્દાફાશ; સ્કૉડા કારમાંથી 137 ગ્રામ ચરસ, ₹7.14 લાખનો મુદ્દામાલ કબ્જે — આરોપીઓ હિમાચલથી જથ્થો લાવતા હોવાની કબૂલાત

સુરત શહેરમાં હાલમાં ‘નો ડ્રગ્સ’ અભિયાન અંતર્ગત પોલીસ દ્વારા ઝડપભેર કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. તેના ભાગરૂપે ક્રાઇમ બ્રાંચે ડ્રગ્સના વધુ એક કિસ્સાનો પર્દાફાશ કર્યો છે. બાતમીના આધારે ઓલપાડથી જહાંગીરપુરા તરફ આવતા બ્રિજ નજીક નાકાબંધી દરમિયાન એક સ્કૉડા સુપર્બ કાર રોકવામાં આવી હતી. કારમાં સવાર ત્રણ યુવકોની તલાશી લેતા કુલ 137.310 ગ્રામ ચરસ , કિંમત ₹34,327 , મળી આવી હતી.
આ કાર્યવાહીમાં ફાઇનાન્સર અનુપ જમનસીંગ બીષ્ટ , મયંક દિનેશ અને જીગર વાંકાવાલા ની ધરપકડ થઈ છે. પોલીસએ ચરસ, મોબાઇલ ફોન અને કાર સહિત કુલ ₹7.14 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પૂછપરછમાં ત્રણેયે કબૂલ્યું કે તેઓ આ ચરસ હિમાચલ પ્રદેશના કસોલ થી લાવ્યા હતા. મુખ્ય આરોપી અનુપ બિષ્ટ મૂળ હિમાચલી છે અને હાલ સુરતમાં જમીન દલાલી તેમજ ફાઇનાન્સનું કામ કરે છે.
આ કેસમાં સૌથી ચિંતાજનક મુદ્દો એ છે કે અનુપ બિષ્ટનો ભાઈ પણ 2024માં દિલ્હીમાં 1 કિલો કરતાં વધુ ચરસ સાથે પકડાયો હતો , જે દર્શાવે છે કે પરિવાર સ્તરે જ ડ્રગ્સ નેટવર્કમાં જોડાણ હોવાની સંભાવના છે.
ડીસીપી ક્રાઇમ ભાવેશ રોજીયાએ જણાવ્યું કે આરોપીઓ દાવો કરે છે કે ચરસ તેઓ વ્યક્તિગત ઉપયોગ માટે લાવ્યા હતા અને ઝીંગાના બિઝનેસ સાથે પણ જોડાયેલા છે, પરંતુ આટલો જથ્થો વ્યક્તિગત વપરાશ માટે લાવવાની વાત માન્ય નથી. પોલીસ હવે તપાસ કરી રહી છે કે આ ત્રણેય કયા વિશાળ નેટવર્ક સાથે સંકળાયેલા છે અને તેમના પાછળ વધુ કોઈ શખ્સો કાર્યરત છે કે નહીં.
ક્રાઇમ બ્રાંચે આરોપીઓની ધરપકડ કરીને આગળની તપાસ શરૂ કરી છે.




