શાકભાજીના કેરેટની આડમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
સુરત ગ્રામ્ય LCB અને પેરોલ ફર્લો સ્ક્વોડની મોટી કાર્યવાહી, ₹16.08 લાખનો મુદ્દામાલ જપ્ત, ટ્રક ચાલક ફરાર


સુરત ગ્રામ્ય
સુરત ગ્રામ્ય જિલ્લામાં પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને કાબૂમાં લેવા માટે ચાલી રહેલા અભિયાન હેઠળ જિલ્લા LCB (લોકલ ક્રાઈમ બ્રાંચ) અને પેરોલ ફર્લો સ્ક્વોડ ને મોટી સફળતા મળી છે. કામરેજ પોલીસ સ્ટેશન હદમાં આવેલા વાવ ગામે નાયરા પેટ્રોલપંપના પાર્કિંગમાંથી એક TATA ટ્રકમાં શાકભાજીના કેરેટની આડમાં સંતાડેલો ₹16,08,880/-નો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.
સુરત રેન્જના પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહ અને પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા ના સૂચન મુજબ ગેરકાયદેસર દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ પર ચાંપતી નજર રાખવા માટે કડક વોચ ગોઠવવામાં આવી હતી. તે અનુસંધાને LCB ઇન્સ્પેક્ટર આર.બી. ભટોળ , પેરોલ ફર્લો સ્ક્વોડ ઇન્સ્પેક્ટર એમ.આર. શકોરીયા અને એલ.જી. રાઠોડ ની સંયુક્ત ટીમે નેશનલ હાઇવે નં. 48 પર પેટ્રોલિંગ શરૂ કર્યું હતું.
પેટ્રોલિંગ દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ.સી. મસાણી ને ખાનગી બાતમીદાર મારફતે ચોક્કસ માહિતી મળી કે GJ-06-AZ-4652 નંબરની TATA ULTRA 1518 ટ્રક માં વિદેશી દારૂ ભરાયેલો છે અને તે વાવ ગામે નાયરા પેટ્રોલપંપના પાર્કિંગમાં ઉભી છે.
ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને ટ્રકની તપાસ કરતા ઉપરના ભાગમાં શાકભાજીના પ્લાસ્ટિક કેરેટ ગોઠવેલા હતા , જેના નીચે વિદેશી દારૂનો મોટો જથ્થો છુપાવેલો મળી આવ્યો.
પોલીસે ટ્રકમાંથી 2616 ટીન ભારતીય બનાવટના વિદેશી દારૂ (બિયર) જપ્ત કર્યા હતા, જેની કિંમત ₹6,02,880/- આંકવામાં આવી છે. આ ઉપરાંત, દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાયેલી ₹10,00,000/-ની TATA ટ્રક તથા ₹6,000/-ના શાકભાજીના 200 કેરેટ કબ્જે કરવામાં આવ્યા છે.
પોલીસે કુલ ₹16,08,880/-નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જોકે ટ્રક ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હોવાથી તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે , અને તેની સાથે આ દારૂ હેરાફેરીના મુખ્ય સૂત્રધાર સુધી પહોંચવા માટે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.




