ને.હા.નં-48 પર ટ્રક અને ટ્રેલર અથડાતા ચાલકનું મોત – મોટી નરોલી નજીક અકસ્માત, કોસંબા પોલીસે ગુનો નોંધ્યો
સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવતા ટ્રક આગળ ચાલી રહેલા ટ્રેલર સાથે ધડાકાભેર અથડાઈ – તમિલનાડુના ચાલક એલનગોવનનું સારવાર દરમ્યાન મોત

માંગરોળ તાલુકાના મોટી નરોલી નજીક નેશનલ હાઈવે નંબર 48 પર ગઈ રાત્રે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. ટ્રક ચાલકે પૂરઝડપે અને ગફલતભરી રીતે વાહન હંકારી આગળ જઈ રહેલા ટ્રેલર સાથે ધડાકાભેર અથડાવતાં ચાલકનું ગંભીર ઈજાઓને કારણે મોત થયું હતું.
માહિતી મુજબ ટ્રક નંબર TN-73-AK-6742 ના ચાલક એલનગોવન રાજગોપાલ , રહેવાસી – પ્રમનાર સ્ટ્રીટ, એલુમ્પી ગામ, જી. તીરુવલ્લી, તમિલનાડુ – તેમની ટ્રક લઈને નેશનલ હાઈવે નંબર 48 પર મુંબઈ તરફથી અમદાવાદ જઇ રહ્યા હતા.
મોટી નરોલી ગામની સીમમાં હાઈવેના ત્રીજા ટ્રેક પર ચાલતી વખતે એલનગોવને ટ્રકનો સ્ટીયરીંગ કાબૂ બહાર જતા તેમની ટ્રક આગળ ચાલતા ટ્રેલર સાથે જોરદાર રીતે અથડાવી હતી.
અથડામણ એટલી પ્રચંડ હતી કે ટ્રકનો આગળનો ભાગ ચકનાચૂર થઈ ગયો હતો અને એલનગોવનને છાતી તથા પેટના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમ્યાન તેમનું મોત નિપજ્યું હતું.
કોસંબા પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક ધીમી ગતિએ ચાલુ રહ્યો હતો.

હાઈવે પર વધતા અકસ્માતો ચિંતાનો વિષય
ને.હા.નં-48 પર છેલ્લા કેટલાક દિવસોમાં ટ્રક અને ભારે વાહનોના અકસ્માતોમાં વધારો નોંધાઈ રહ્યો છે. ભારે વાહનોની અતિશય ઝડપ, થાકેલા ચાલકો તથા રાત્રિના સમયે ગફલતભરું ડ્રાઇવિંગ એ અકસ્માતોના મુખ્ય કારણો ગણાઈ રહ્યા છે.
ટ્રાફિક વિભાગ દ્વારા ભારે વાહનચાલકોને સાવચેતી રાખવા તથા ઝડપ મર્યાદા પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.




