સુરત
Trending
પલસાણા પોલીસે ₹7.70 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો, અર્ટિગામાંથી 1200 બોટલ જપ્ત
જોળવા ગામની શક્તિ ઇન્ડસ્ટ્રીઝ ખાતે પાર્ક કારમાંથી જથ્થો મળ્યો; ચાલક સ્થળ પરથી ફરાર, વોન્ટેડ જાહેર

સુરત ગ્રામ્ય પોલીસને પલસાણા વિસ્તારમાં દારૂની હેરાફેરી સામે મોટી સફળતા મળી છે. જોળવા ગામ પાસે આવેલી શક્તિ ઇન્ડસ્ટ્રીઝમાંથી સફેદ રંગની અર્ટિગા કાર (GJ-15-CM-2627)માંથી કુલ 1200 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. દારૂ અને કાર મળીને કુલ ₹7.70 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ અને સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાના માર્ગદર્શન હેઠળ આ ઓપરેશન હાથ ધરાયું હતું. બારડોલી વિભાગના ડિવાયએસપી એચ.એલ. રાઠોડના સુચનાથી પલસાણા પોલીસ સ્ટાફે સઘન ચેકિંગ શરૂ કર્યું હતું.
આ દરમિયાન અ.હે.કો. નિકેતકુમાર ખુમાનસંગ, અમૃતભાઈ ધનજીભાઈ અને પો.કો. નિલેશભાઈને ખાનગી બાતમી મળી કે શક્તિ ઇન્ડસ્ટ્રીઝના પાર્કિંગમાં અર્ટિગામાં વિદેશી દારૂ ભરેલો છે. બાતમી સાચી નીકળતાં પોલીસે સ્થળ પર પહોંચી કારમાંથી 1200 નાની બોટલ્સ મેળવી હતી, જેની બજાર કિંમત ₹2.70 લાખ ગણાઈ છે. સાથે જ ₹5 લાખની કાર જપ્ત થઈ હતી.
પલસાણા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની કલમ 65(ઇ), 98(2), 81 અને 116(બી) હેઠળ ગુનો નોંધાયો છે. કારનો ચાલક ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો અને તેને પોલીસ દ્વારા વોન્ટેડ જાહેર કરીને શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે.
જપ્ત મુદ્દામાલની વિગત
ô વિદેશી દારૂની બોટલ્સ: 1200
ôદારૂની કિંમત: ₹2,70,000/-
ô અર્ટિગા કારની કિંમત: ₹5,00,000/-
ô કુલ મુદ્દામાલ: ₹7,70,000/-
ô ચાલક: ફરાર, વોન્ટેડ જાહેર




