સુરતના ઉમરા-વેલંજા રોડ પર રંગોલી ચોકડી પાસે આવેલા પતરાંના શેડવાળા ગોડાઉન અને દુકાનોમાં આજે અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠી. ભંગારના ગોડાઉનમાંથી શરુ થયેલી આગે પળોમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને બાજુમાં આવેલી ટાયર, ફોટોફ્રેમ તેમજ અન્ય દુકાનોને પણ પોતાની ઝપેટમાં લઈ લીધી. ધુમાડાના ગોટેગોટા એટલા ગાઢ હતા કે ત્રણ કિલોમીટર દૂરથી પણ સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા. ઝેરી ધુમાડાને કારણે આસપાસના લોકો શ્વાસ લેવામાં તકલીફ અનુભવી રહ્યા હતા.
માહિતી મુજબ, પતરાંના શેડમાં બનેલા ભંગારના ગોડાઉનમાં પ્લાસ્ટિક અને લાકડાં જેવા દહનશીલ સામાન હોવાને કારણે આગ ઝડપથી પ્રસરી ગઈ. ખાસ કરીને ટાયરની દુકાનમાં આગ પહોંચતાં જ તેમાં રહેલા રબરના કારણે જ્વાળાઓ વધુ વિકરાળ બની ગઈ.
આગની જાણ થતાં જ કોસાડ અને મોટા વરાછા ફાયર સ્ટેશન્સથી 3 ગાડીઓ ઘટનાસ્થળે દોડી આવી. ફાયર ઓફિસર મારુતિ સોનવણેના જણાવ્યા મુજબ ઝેરી ધુમાડાને કારણે જવાનોને માસ્ક પહેરીને કામગીરી કરવી પડી. પોણો કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લેવાયો, ત્યારબાદ લગભગ એક કલાક સુધી કૂલિંગ ઓપરેશન ચાલુ રાખવામાં આવ્યું.
પ્રાથમિક માહિતી અનુસાર, ભંગારનું ગોડાઉન, ટાયરની દુકાન અને ફોટોફ્રેમની દુકાન સંપૂર્ણ રીતે ખાખ થઈ ગઈ છે. પતરાંના શેડમાં વારંવાર આગ લાગવાના બનાવો સામે આ ઘટના ફરી એકવાર સવાલો ઉભા કરી રહી છે. હાલ આગ સંપૂર્ણ કાબૂમાં છે અને નુકસાનનું મૂલ્યાંકન ચાલું છે.