સુરત જિલ્લાના કીમ રેલવે ઓવરબ્રિજ પર આજે સર્જાયેલી એક ગંભીર ઘટનામાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટેનો સ્પાન લઈને જતું ટ્રેલર સેફ્ટી ગર્ડર સાથે ભટકાયું, જેના કારણે ગર્ડર તૂટીને નીચે પટકાયું. ટ્રેલરની ઊંચાઈ ઓવરબ્રિજના પૂર્વ છેડે લગાવેલા સેફ્ટી ગર્ડર કરતાં વધુ હોવાથી તે તેમાં ફસાઈ ગયું હતું.
અકસ્માત એટલો અચાનક સર્જાયો કે ગર્ડર સંપૂર્ણ રીતે નીચે ધરાશાયી થયો. સદનસીબે, તે સમયે બ્રિજના છેડે અન્ય કોઈ વાહન હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી અને કોઈ ઇજા કે નુકસાન નોંધાયું નથી.
ઘટનાની જાણ થતાં જ સંબંધિત તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. હાલમાં ઘટનાની તપાસ સાથે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, જ્યારે ગર્ડર તૂટવાનો મુદ્દો સુરક્ષા ધોરણો પર પણ સવાલો ઉભા કરી રહ્યો છે.