દુબઈમાં ચાલી રહેલા પ્રતિષ્ઠિત દુબઈ એર-શો દરમિયાન શુક્રવારે એક ગંભીર ઘટના બની હતી. ભારતીય વાયુસેનાનું તેજસ ફાઇટર જેટ અલ મક્તૂમ એરપોર્ટ ખાતે ડેમો ફ્લાઇટ દરમિયાન ક્રેશ થયું. ઘટના ભારતીય સમય અનુસાર બપોરે 3:40 વાગ્યે બની હતી.
દુર્ઘટના એટલી ભયાનક હતી કે તેજસ જેટ જમીન પર પડતાં જ આગની જ્વાળાઓ ફાટી નીકળ્યાં અને એરપોર્ટ પર ઘાટા કાળા ધુમાડાના ગોટા દેખાયા. દુર્ઘટનામાં તેજસના પાઇલટનું મૃત્યુ થયું હોવાની પુષ્ટિ ભારતીય વાયુસેનાએ કરી છે.
ઘટના બાદ વાયુસેનાએ તાત્કાલિક કોર્ટ ઓફ ઇન્ક્વાયરી ની રચના કરી છે, જેથી ક્રેશ પાછળના કારણો વિશે વિગતવાર તપાસ થઈ શકે.
આ પહેલા પણ તેજસ જેટ ક્રેશની એક ઘટના નોંધાઈ ચૂકી છે. વર્ષ 2024માં રાજસ્થાનના પોખરણમાં યુદ્ધાભ્યાસ દરમિયાન એન્જિન ફેલ થવાને કારણે તેજસ જેટ દુર્ઘટનાગ્રસ્ત થયું હતું.