સુરત
સુરત ગ્રામ્ય પોલીસની મોટી કાર્યવાહિ: ₹12 લાખથી વધુનો ગાંજો ઝડપાયો, બે આરોપી ઝડપી
‘Stand Strong Against Drugs’ ઝુંબેશ હેઠળ SOGની સફળ રેડ; કુલ ₹13.18 લાખનો મુદ્દામાલ કબજે

સુરત ગ્રામ્ય પોલીસની નશાબંધી વિરોધી ઝુંબેશ અંતર્ગત મોટી કાર્યવાહી સામે આવી છે. એસ.ઓ.જી. (SOG) ટીમે પલસાણા તાલુકાના બગુમરા ગામ માં દરોડો પાડીને ₹12 લાખથી વધુ મૂલ્યનો ગાંજો ઝડપી પાડ્યો છે. પોલીસે આ મામલે બે આરોપીઓને ઝડપી લીધા છે.
પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા ના માર્ગદર્શન હેઠળ ‘ Stand Strong Against Drugs ’ કેમ્પેઈન ચાલી રહ્યું છે. SOG ઇન્સ્પેક્ટર બી.જી. ઇશરાણી ની સૂચના આધારે મળેલી ખાનગી માહિતીના આધારે ટીમે મહાદેવ રેસિડન્સી, મકાન નં. 76 પાસે રેડ કરી હતી.
કાર્યવાહીમાં પોલીસે કુલ 24.824 કિલો ગાંજો જપ્ત કર્યો, જેની બજાર કિંમત ₹12,41,200/- થાય છે. ઉપરાંત, ₹7,020 રોકડ , ₹10,000નો મોબાઈલ અને ₹60,000ની જુપીટર મોપેડ સહિત કુલ ₹13,18,220/- નો મુદ્દામાલ કબજે કર્યો છે.
જપ્ત કરાયેલા કેસમાં ઈબાદતઅલી ઉર્ફે બાગબાન ઉર્ફે ભગવાન સૈયદ (22) અને કિશનકુમાર ઠાકુર (27) – બંને રહે. તાંતીથૈયા, પલસાણા –ની ધરપકડ કરવામાં આવી છે. બંનેના મૂળ ગામો અનુક્રમે પ્રયાગરાજ (યુ.પી.) અને જમુઈ (બિહાર) છે.
પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે આરોપીઓ વોન્ટેડ અર્પિત અને રાહુલ સુખલાલ સાથે મળીને છૂટકમાં ગાંજાની હેરાફેરી કરતા હતા. વોન્ટેડ આરોપી રાહુલ સુખલાલ ઓરિસ્સાથી ટ્રેન મારફતે ગાંજો મંગાવતો હતો. બગુમરા પાસે નહેર નજીક ફેંકી મૂકેલા જથ્થો લેવા બંને આરોપીઓ ગયા હતા, ત્યારે SOG ટીમે તેમને રંગે હાથ ઝડપી લીધા.
પોલીસે હવે બીજા વોન્ટેડ આરોપીઓ તથા માલ મોકલનાર અજાણ્યા પુરવઠાકાર ને પકડવા માટે વધુ તપાસ શરૂ કરી છે.




