સુરત
Trending
કીમ રેલવે સ્ટેશન પર 23 દિવસમાં 6ના મોત , ઊંચા દાદર ચડતા ન આવતાં લોકો જીવ જોખમે ટ્રેક ક્રોસ કરવા મજબૂર
રેલવેની ઉદાસીનતાથી અકસ્માતોમાં વધારો; વૃદ્ધો અને નબળા લોકો માટે બ્રિજના ઊંચા દાદર બન્યા મોતનો ફંદો, લિફ્ટ-એસ્કેલેટરની માગ છતાં તંત્ર મૌન

બારડોલી: કીમ રેલવે સ્ટેશન પર છેલ્લા 23 દિવસમાં બનેલી ટ્રેન અકસ્માતોની માલિકી હૃદયદ્રાવક ઘટનાઓએ સમગ્ર વિસ્તારને હચમચાવી દીધો છે. માત્ર 23 દિવસમાં 6 લોકોના મોત થતાં સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. લોકોનો આક્ષેપ છે કે રેલવેની બેદરકારી અને ઉદાસીનતાના કારણે નિર્દોષ લોકો જીવ ગુમાવી રહ્યા છે.
સ્થાનિક નેતાઓ, સાંસદ સભ્ય અને રેલવે અધિકારીઓ સ્થળે જઈ ચૂ્યા છે, પરંતુ સમસ્યા હલ કરવા કોઈ તાત્કાલિક પગલા ન લેવાતા લોકોમાં તંત્ર પ્રત્યે નારાજગી વધી રહી છે.
મૂળ સમસ્યા ઊંચા દાદર
કીમ રેલવે ઓવરબ્રિજ પર અત્યંત ઊંચા દાદર બનાવાયા છે, જેને ચડવું વૃદ્ધો, સિનિયર સિટીઝન અને શારીરિક રીતે નબળા લોકોને મુશ્કેલ બની ગયું છે. પરિણામે તેઓ મજબૂરીવશ જીવ જોખમે ટ્રેક ક્રોસ કરે છે અને નજર ચૂકતાં અકસ્માતનો ભોગ બને છે.
મૃતકોમાં મોટેભાગે વૃદ્ધોનો સમાવેશ છે. 6માંથી 3 મોત તો માત્ર 6 દિવસની અંદર થયા છે. 16 નવેમ્બરે પરપ્રાંતીય મહિલાનું, 18 નવેમ્બરે વૃદ્ધ મહિલાનું અને 21 નવેમ્બરે આધેડ પુરુષનું મોત થયું છે.
લિફ્ટ-એક્સેલેટરની વર્ષોથી માગ છતાં તંત્ર મૌન:
ફ્રેઈટ કોરિડોર અને મેન લાઈન પર ટ્રેનોની અવરજવર વધી રહી છે, પરંતુ સલામતીની વ્યવસ્થા વધારવા માટે લિફ્ટ અથવા એક્સેલેટર મૂકવાની માંગને રેલવે વર્ષોથી અવગણતું રહ્યું છે. સ્થાનિકોનું કહેવું છે કે યોગ્ય સુવિધા હોત તો અનેક જીવ બચી શક્યા હોત.




