89 વર્ષની વયે દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રનું અવસાન, બોલીવુડ ગમગીન
‘શોલે’થી ‘યમલા પગલા દિવાના’ સુધીનું 65 વર્ષનું ઝગમગતું સફર પૂર્ણ

અલવિદા ધર્મેન્દ્ર… ‘
દિગ્ગજ અભિનેતા અને હિન્દી સિનેમાના ‘હી-મેન’ ધર્મેન્દ્રનું આજે, 24 નવેમ્બર 2025ના રોજ 89 વર્ષની વયે અવસાન થયું છે. તેમના અવસાન સાથે એક એવો યુગ પૂર્ણ થયો છે, જેણે ભારતીય સિનેમાને સૌમ્યતા, સ્ટાઈલ અને મજબૂત અભિનયની નવી વ્યાખ્યા આપી હતી. વૃદ્ધાવસ્થાથી સંબંધિત અનેક બીમારીઓનો સામનો કરી રહેલા ધર્મેન્દ્ર છેલ્લા કેટલાક સમયથી મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ હતા. થોડા દિવસ પહેલાં જ તેમને સારવાર બાદ ઘરે રજા આપવામાં આવી હતી, જ્યાં તેઓ ઘરગથ્થું મેડિકલ સપોર્ટ હેઠળ હતા.
ધર્મેન્દ્રનો જન્મ 8 ડિસેમ્બર 1935ના રોજ પંજાબમાં થયો હતો.
1960ની ‘દિલ ભી તેરા હમ ભી તેરે’ ફિલ્મથી શરૂઆત કરેલી તેમની સફર પછી 65 વર્ષથી વધુ સમય સુધી ઝગમગતી રહી.
આઈ મિલન કી બેલા , ફૂલ ઔર પથ્થર , આએ દિન બહાર કે જેવી ફિલ્મોએ તેમને ટોચના સ્ટાર તરીકે સ્થાપિત કર્યા.
જ્યારે ‘શોલે’ ના વીરુ અને ‘યમલા પગલા દિવાના’ માં તેમનું મસ્તિયાળ રૂપ આજે પણ લોકોને યાદ છે.
તેઓ જલ્દી જ રીલીઝ થનારી અગસ્ત્ય નંદાની ફિલ્મ ‘ઈક્કીસ’ માં જોવા મળવાના હતા, જે હવે તેમની અંતિમ ફિલ્મ બની રહેશે. ફિલ્મનું ટ્રેલર થોડા દિવસ પહેલાં જ રીલીઝ થયું હતું.
મુંબઈમાં આજે બપોરે ધર્મેન્દ્રના અવસાનની ખબર બહાર આવતા જ તેમના ઘરની બહાર સુરક્ષા વધારવામાં આવી.
અંદાજે 1 વાગ્યે એમ્બ્યુલન્સ તેમના ઘરે પહોંચી અને 1:10 વાગ્યે IANSએ તેમના અવસાનની સત્તાવાર પુષ્ટિ કરી.
વિલે પાર્લેના પવનહંસ સ્મશાનગૃહ માં ચાહકો અને સિતારાઓની ભીડ ઊમટી પડી.
અમિતાભ બચ્ચન, સલમાન ખાન, શાહરુખ ખાન , અનેક દિગ્ગજ હસ્તીઓ અંતિમ વિદાય આપવા પહોંચ્યાં.
ધર્મેન્દ્રને પૂર્ણ સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી.
અંતિમ દિવસોની ઝલક
10 નવેમ્બરના રોજ શ્વાસ લેવામાં તકલીફ પડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા.
મીડિયામાં તેમના અવસાનના અફવાઓ આવતા પરિવારને સ્પષ્ટતા કરવી પડી હતી.
12 નવેમ્બરના રોજ તેમને ઘરે રજા અપાઈ હતી, પરંતુ સ્વાસ્થ્યમાં ખાસ સુધારો થયો ન હતો.
શત્રુઘ્ન સિંહા ભાવુક—“એક યુગનો અંત”
અભિનેતા અને નજીકના મિત્ર શત્રુઘ્ન સિંહા એ X પર ભાવુક સંદેશ લખ્યો:
“ધર્મેન્દ્રજી માત્ર આપણા દોસ્ત ન હતા, પરંતુ જનતાના સાચા હીરો હતા. તેઓ એક એવા વ્યક્તિ હતા જેમના પ્રેમે આખા ભારતમાં હૃદયો જીતી લીધા. ‘હી-મેન’નો એક યુગ હવે પૂર્ણ થયો છે. આ ખોટ અપૂર્ણિય છે.”
–



