કીમની નોનવેજ રેસ્ટોરાં પર ફૂડ વિભાગનો દરોડો:
ઓનલાઈન ફરિયાદ બાદ સેમ્પલ લઈ તપાસ શરૂ,સ્થાનિકોમાં પ્રશ્નો: માત્ર નોનવેજ રેસ્ટોરાં પર જ કાર્યવાહી કેમ?

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કીમ-કઠોદરા રોડ પર આવેલી એક નોનવેજ રેસ્ટોરાં પર ફૂડ એન્ડ ડ્રગ વિભાગે ગુરુવારે અચાનક દરોડો પાડ્યો હતો. રેસ્ટોરાં સામે ઓનલાઈન મળેલી ફરિયાદને આધારે આ કાર્યવાહી હાથ ધરાઈ હતી. વિભાગની ટીમે રેસ્ટોરાંમાંથી વિવિધ નોનવેજ વાનગીઓના સેમ્પલ લઈ લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલ્યા છે.
ફૂડ વિભાગની ટીમે ‘એ-વન બોમ્બે કેટરર્સ’ નામની આ રેસ્ટોરાંમાં તાત્કાલિક તપાસ હાથ ધરી. ટીમે રસોડામાં તૈયાર થતી વાનગીઓ, કાચા માલ અને સંગ્રહિત ખાદ્ય પદાર્થોની ચકાસણી કરી. શંકાસ્પદ લાગતા ખાદ્યપદાર્થોના નમૂના પૃથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
અધિકારીઓએ જણાવ્યું કે—“ઓનલાઈન મળેલી ફરિયાદને ધ્યાને રાખીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સેમ્પલ રિપોર્ટ પ્રાપ્ત થયા બાદ આગળની કાયદેસર પ્રક્રિયા થશે.”
આ દરોડા બાદ કીમના અનેક નાગરિકોમાં ચર્ચા શરૂ થઈ છે. કેટલીક લોકોનું માનવું છે કે વિભાગ માત્ર પસંદગીયુક્ત સ્થળો પર જ કાર્યવાહી કરે છે.
સ્થાનિમાં એ પણ ચર્ચા છે કે ફૂડ વિભાગ પ્રાયઃ તહેવારો દરમિયાન જ સક્રિય થઈ જાય છે, જ્યારે તહેવારો પછી આવી કાર્યવાહીનો લાભ કેટલો અસરકારક રહે છે તે સવાલચિહ્ન છે.
કેટલાંક નાગરિકોનું માનવું છે કે—
“સેમ્પલના રિપોર્ટ આવવામાં કેટલાંક દિવસ લાગી જાય છે. ત્યાં સુધી તો લોકો હલકી ગુણવત્તાવાળી વસ્તુઓ સેવન કરી ચુક્યા હોય છે. વિભાગે સમયસર અને સર્વગ્રાહી કાર્યવાહી કરવી જોઈએ.”ફૂડ વિભાગના અધિકારીઓએ આગામી દિવસોમાં અન્ય સ્થળોએ પણ ચકાસણી હાથ ધરવાની સંભાવના વ્યક્ત કરી છે.
નાગરિકો પ્રશ્ન કરી રહ્યા છે—* “કીમ વિસ્તારમાં ધમધમતી ચાઈનીઝ લારીઓ પર ક્યારે કાર્યવાહી થશે?”
* “લોકોના સ્વાસ્થ્ય સાથે રમતી ગેરવ્યવસ્થાઓ સામે ફૂડ વિભાગ મૌન કેમ?“



