સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના કોસંબા ગામે સ્થિત ડૉ. બાબા સાહેબ આંબેડકર નગર ખાતે આજે, 26 નવેમ્બર રોજ સંવિધાન ગૌરવ દિવસ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. સંવિધાન દિવસ, જેને રાષ્ટ્રીય કાયદા દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે, ભારતની બંધારણ સભાએ 26 નવેમ્બર 1949ના રોજ બંધારણ સ્વીકાર્યું હતું અને જેનો અમલ 26 જાન્યુઆરી 1950થી થયો હતો, તેની સ્મૃતિમાં ઉજવવામાં આવે છે.
કાર્યક્રમમાં તરસાડી નગરપાલિકા પ્રમુખ શ્રીમતી કપિલાબેન પરમાર, માંગરોળ તાલુકાના ભાજપ સંગઠન મંત્રી શ્રીમતી મનીષાબેન રાઠોડ, રાજપૂત સમાજના આગેવાન શ્રી રાજેન્દ્રસિંહ ઠાકોર, દલિત સમાજના આગેવાન શ્રી કાંતિલાલ પરમાર, તેમજ સમાજસેવકો જગદીશભાઈ પરમાર, રમેશભાઈ વસાવા, યોગેશભાઈ પરમાર સહિત આંબેડકર નગરના મોટી સંખ્યામાં ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
ઉજવણી દરમિયાન ડૉ. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરીને સંવિધાન પ્રત્યેની શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી. કાર્યક્રમ દરમિયાન “જય ભીમ”ના નારા ગુંજતા સમગ્ર પ્રાંતે એકતા, સમાનતા અને ન્યાયના મૂલ્યોને પુનઃસ્મરાવવામાં આવ્યા.