સુરત ગ્રામ્ય પોલીસે આજે માંડવી ખાતે વિશાળ બુલડોઝર કાર્યવાહી ચલાવી આશરે ₹39 લાખના વિદેશી દારૂનો નાશ કર્યો હતો . આ દારૂ માંડવી, ઝંખવાવ, ઉમરપાડા અને માંગરોળ પોલીસ સ્ટેશનની હદમાંથી અલગ-અલગ કેસોમાં જપ્ત કરીને એકત્રિત કરવામાં આવ્યો હતો. બાદમાં કાયદાકીય પ્રક્રિયા અનુસાર આ જથ્થા પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું.
માંડવી સહિત ચાર પોલીસ સ્ટેશનો દ્વારા પકડાયેલા દારૂના જથ્થાને એક સ્થળે લાવવામાં આવ્યો હતો. બજાર મુજબ આ દારૂની કિંમત રૂ. 39 લાખ જેટલી આંકવામાં આવી છે. બુલડોઝર ફેરવી દારૂનો નાશ કરીને તંત્રએ ગેરકાયદે દારૂના ધંધાને સ્પષ્ટ ચેતવણી આપી છે.
સુરત જિલ્લામાં ગેરકાયદેસર દારૂની બદીને જડમૂળેથી ખતમ કરવા પોલીસે ઝુંબેશ હાથ ધરી છે. આ કાર્યવાહી એ જ ઝુંબેશનો ભાગ છે. તંત્રના જણાવ્યા મુજબ, પ્રોહિબિશનના કાયદાનું કડક પાલન અને યુવાવર્ગને નશાની લતથી દૂર રાખવા માટે આવી કાર્યવાહી સમયાંતરે કરવામાં આવે છે.
દારૂના નાશના કાર્યક્રમ દરમિયાન માંડવી પ્રાંત અધિકારી કૌશિક જાદવ, સુરત ગ્રામ્ય DySP બી. કે. બનાર અને નશાબંધી વિભાગના અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.