સુરત
Trending
સુરત SOG કોન્સ્ટેબલ ભાવિક ચૌધરીને DGP ડિસ્ક સન્માન
નકલી નોટ રેકેટમાં મજબૂત તપાસથી આરોપીઓને સુપ્રીમ કોર્ટ સુધી જામીન માટે મજબૂર કર્યા—આત્મનિષ્ઠા, બહાદુરી અને તપાસની ગુણવત્તા બદલ સન્માન

ગુજરાત પોલીસ વિભાગમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાજ્યના 568 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને ગુજરાત પોલીસ મહાનિદેશક દ્વારા DGP પ્રશંસા ડિસ્ક–2024 એનાયત કરવામાં આવ્યાં. આ સન્માન મેળવનારાઓમાં સુરત ગ્રામ્ય SOGના કોન્સ્ટેબલ ભાવિક ચૌધરી નો પણ સમાવેશ થયો છે, જેમને નકલી નોટ રેકેટ કેસમાં અસાધારણ તપાસ માટે આ પ્રતિષ્ઠિત સન્માન પ્રાપ્ત થયું.
કોન્સ્ટેબલ ભાવિક ચૌધરીએ કામરેજ નજીક એમ્બ્યુલન્સમાં ઝડપાયેલા નકલી નોટ રેકેટ કેસમાં એવી તપાસ કરી હતી કે ગુનાના મુખ્ય આરોપીઓને અઢી વર્ષ સુધી નીચલી કોર્ટમાંથી જામીન મળી શક્યા નહોતા . તેમની તપાસમાં મેળવાયેલા મજબૂત પુરાવાઓને કારણે આરોપીઓને જામીન માટે સુપ્રીમ કોર્ટ સુધી જવું પડ્યું , જે તેમની તપાસની અસરકારકતા દર્શાવે છે.
આ સન્માન સમારોહ ગાંધીનગર ખાતે ગુજરાત પોલીસ અકાદમી (કરાઈ)ના નવા વિદ્યાભવન ઓડિટોરિયમમાં યોજાયો હતો. જેમાં પોલીસ વડાએ ફરજ પ્રત્યેની નિષ્ઠા, બહાદુરી અને તપાસની ગુણવત્તાને બિરદાવી હતી.
અન્ય કેસોમાં પણ નોંધપાત્ર કામગીરી
ભાવિક ચૌધરીએ કીમ નજીક રેલવે ટ્રેક પર રેલવે કર્મચારીઓ દ્વારા જાણી જોઈને ગોઠવવામાં આવેલી પ્લેટના કેસને ઉકેલવામાં પણ અગત્યની ભૂમિકા ભજવી હતી.
તે ઉપરાંત NDPS સંબંધિત કેસોમાં સક્રિય કામગીરી, તથા સ્કૂલ–કોલેજોમાં યુવા પેઢીને નશાની લતથી બચાવવા માટે જાગૃતિ કાર્યક્રમો યોજવામાં તેમનું યોગદાનપણ પ્રશંસનીય રહ્યું છે.




