સુરત
Trending
કીમ ઓવરબ્રિજ પર ફરી અકસ્માત: વધુ ઊંચાઈના સામાનથી ટ્રક સેફ્ટી ગર્ડર સાથે અથડાયો, ગર્ડરનો સ્પાન તૂટ્યો; મોટી જાનહાનિ ટળી
હાઈવે ઓથોરિટી સામે ગર્ડરની ઊંચાઈ અને ડ્રાઈવર બેદરકારી મુદ્દે પગલાંની માંગ

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કીમ રેલવે ઓવરબ્રિજ પર ફરી એકવાર અકસ્માત નોંધાયો છે. બ્રિજના પૂર્વ છેડે વાહનોની મહત્તમ ઊંચાઈ દર્શાવતો સેફ્ટી ગર્ડર લગાવવામાં આવ્યો છે. ગુરુવારે એક ટ્રક વધુ ઊંચાઈનો સામાન ભરેલી હાલતમાં બ્રિજ પરથી પસાર થઈ રહી હતી ત્યારે તે ગર્ડર સાથે જોરદાર ભટકાઈ , જેના કારણે ગર્ડરનો સ્પાન તૂટી નીચે પટકાયો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ, ટ્રકમાં ભરાયેલા સામાનની ઊંચાઈ નિયમિત મર્યાદા કરતાં વધુ હતી. ટ્રક બ્રિજના પૂર્વ છેડે પહોંચતા જ સામાન સીધો સેફ્ટી ગર્ડરના સ્પાનમાં ભેરવાઈ ગઇ , જેના કારણે શક્તિશાળી અથડામણ સર્જાઈ અને ગર્ડરનો સ્પાન ધડાકા સાથે તૂટી પડ્યો.
સદનસીબે, સ્પાન નીચે પડ્યો તે સમયે ત્યાં કોઈ વાહન કે રાહદારી હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. સ્થાનિક લોકો જણાવે છે કે જો આ ઘટના વ્યસ્ત ટ્રાફિક સમય દરમિયાન બને હોત તો ગંભીર અકસ્માત સર્જાતા નિશ્ચિત હતું.
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા પણ આ જ સ્થળે બુલેટ ટ્રેનનો સ્પાન લઈ જઈ રહેલું એક ટ્રેલર સેફ્ટી ગર્ડર સાથે અથડાયું હતું. એક પછી એક આવી ઘટનાઓ સતત બની રહી હોવાથી હાઈવે ઓથોરિટી સામે ગર્ડરની ઊંચાઈમાં ફેરફાર, કડક ચેતવણી અને ડ્રાઈવરોની બેદરકારી અટકાવવા પગલાં લેવાની માંગ તેજ થઈ છે.
સ્થાનિક લોકો અને વાહનચાલકો હવે હાઈવે ઍથોરિટી પાસેથી તાત્કાલિક પગલાંની અપેક્ષા રાખી રહ્યા છે જેથી આવનારા દિવસોમાં આવી ગંભીર પરિસ્થિતિ ન સર્જાય।




