સુરત શહેર ફરી એક વાર વ્યાજખોરોના ત્રાસથી કંપી ઉઠ્યું છે. અમરોલી વિસ્તારમાં રહેતા અને સુરત મહાનગરપાલિકામાં ચોથા વર્ગના કર્મચારી તરીકે ફરજ બજાવતા 40 વર્ષીય વિનોદ જાવડેે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેવામાં આવ્યો છે. ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોક અને આક્રોશનું માહોલ સર્જ્યો છે.
પરિવારના જણાવ્યા મુજબ વિનોદ છેલ્લા કેટલાક સમયથી ભારે દેવામાં દટાઈ ગયા હતા અને વ્યાજખોરોના દબાણ તથા માનસિક ત્રાસથી ખૂબ જ તણાવમાં રહેતા હતા. સતત આર્થિક સંકડામણ અને વ્યાજખોરોની હેરાનગતિને કારણે તેઓ ગંભીર માનસિક દબાણમાં હતાં. અંતે, આ તણાવ સહન ન કરી શકતા તેમણે જીવન ટૂંકાવવાનો પગલું ભર્યું હોવાનું પરિવારનો આક્ષેપ છે.
ઘટનાની જાણ થતાં જ અમરોલી પોલીસે સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. પરિવારજનોએ વ્યાજખોરોને તાત્કાલિક ઝડપીને તેમની સામે સખત કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે, જેથી આવી દુર્ઘટનાઓ ફરી ન સર્જાય.
અમરોલી પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. વ્યાજખોરો કોણ છે, કેટલા સમયથી તેઓ વિનોદને હેરાન કરી રહ્યા હતા અને તેમના ત્રાસનું પ્રમાણ શું હતું – તે દિશામાં પોલીસે તપાસ ઝડપી કરી છે.
સમાજમાં વ્યાજખોરોની વધતી ગુનાખોરી સામે આ ઘટના ગંભીર ચેતવણીરૂપ છે. કડક કાયદાકીય પગલાં દ્વારા જ આવા તત્વોને રોકી શકાય તેવું સ્થાનિક લોકોનું માનવું છે.