સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં પાવરગ્રીડ વીજ લાઇનના નિર્માણ સમયે ગંભીર દૂર્ઘટના સર્જાઈ હતી. સેગવા ગામની સીમમાં ઊભો કરવામાં આવી રહેલો લગભગ 15 મીટર ઊંચો ટાવર અચાનક નમી ગયો અને વળી પડતા કાર્યસ્થળ પર હાજર 6 કર્મચારી નાની–મોટી ઈજાઓ સાથે ઘાયલ થયા હતા. તમામને તાત્કાલિક સુરતની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
ઘટનાસ્થળ પર કંપનીના કર્મચારીઓ ટાવરના આસપાસ કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક ટાવર અસંતુલિત થઈ નમી જતાં કર્મચારીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો અને નાસભાગ મચી ગઈ હતી. પ્રાથમિક અંદાજ મુજબ ટાવરના બેલન્સ કે સપોર્ટ સિસ્ટમમાં ખામી સર્જાતાં આ ઘટના બની હોવાની શકયતા વ્યક્ત થાય છે, જોકે ચોક્કસ કારણ અંગે તપાસ ચાલુ છે.
ઉલ્લેખનીય છે કે કામરેજ તાલુકામાં ચાલી રહેલું આ પાવરગ્રીડ વીજ લાઇનનું કામ શરૂઆતથી જ વિવાદોમાં રહ્યું છે. ગ્રામજનો અને ખેડૂતોએ અનેકવાર પ્રોજેક્ટના મુદ્દે વિરોધ પ્રદર્શિત કર્યો હતો. ઘટનાની જાણ થતાં જ કામરેજ પોલીસે સ્થળ પર પહોંચી જરૂરી કાર્યવાહી શરૂ કરી હતી.
દૂર્ઘટનાને લઈને સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે અને કામની સુરક્ષા અંગે પ્રશ્નો ઊભા થયા છે.