સુરત જિલ્લાના કીમ ચારરસ્તા વિસ્તારમાં રિક્ષા સ્ટેન્ડની માંગને લઈને રિક્ષાચાલકોએ આજે હડતાળ કરી હતી. રિક્ષાચાલકોના આ અચાનક વિરોધ પ્રદર્શનને કારણે ખાસ કરીને GIDC વિસ્તારમાં જવા આવતા કામદારોને ગંભીર હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. મુસાફરો લાંબા સમય સુધી વાહન વ્યવહાર માટે મૂંઝવણમાં મૂકાયા હતા.
રિક્ષાચાલકો કોસંબા પોલીસની પાલોદ આઉટપોસ્ટની બહાર એકત્રિત થયા હતા. તેમનો આક્ષેપ હતો કે કીમ ચારરસ્તા પાસે નિશ્ચિત રિક્ષા સ્ટેન્ડ ન હોવાથી તેઓને રસ્તા પર ઊભા રહેવું પડે છે. આ દરમિયાન પોલીસ તેમને મેમો ફટકારતી હોય છે, જેના કારણે આર્થિક નુકસાન થાય છે.
પરિસ્થિતિ ગંભીર બનતા કોસંબા પોલીસે દરમિયાનગીરી કરી હતી. PSI પરાક્રમસિંહ અને PSI ધાંધલ રિક્ષાચાલકોને મળે હતા અને તેમની માંગણીઓ સાંભળી હતી. ચર્ચા બાદ પોલીસે રિક્ષાચાલકોને કીમ ચારરસ્તા પર **નક્કી રિક્ષા સ્ટેન્ડ ફાળવવાની બાંહેધરી** આપી હતી.
પોલીસની ખાતરી બાદ રિક્ષાચાલકોએ હડતાળ પાછી ખેંચી લીધી હતી અને નિયમિત સેવા શરૂ કરી હતી. રિક્ષાચાલકોએ પણ વચન આપ્યું કે તેઓ આગળથી આડેધડ રોડ પર ઊભા રહી ટ્રાફિકને અવરોધરૂપ બનશે નહીં. સમાધાન બાદ મુસાફરોને રાહત મળી હતી.