સુરત મહાનગરપાલિકા શહેરમાં વધી રહેલા વાયુ પ્રદૂષણને નિયંત્રણમાં લેવા માટે કડક પગલાં અમલમાં મૂકી રહી છે. SMC દ્વારા શહેરમાં ચાલતા 266 બાંધકામોની તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાંથી 184 બાંધકામોમાં પ્રદૂષણ નિયંત્રણ માટે પૂરતા ઉપાયો ન કરવામાં આવ્યા હોવાથી કુલ ₹56,01,000નો દંડ વસૂલવામાં આવ્યો છે. આ કાર્યવાહી 4 ડિસેમ્બર 2025 થી 8 નવેમ્બર સુધીના સર્વે આધારિત છે.
આ સાથે મ્યુનિસિપલ કમિશનર ડૉ. શાલિની અગ્રવાલે માનપાના જ ડુમસ સી-ફેસ ડેવલપમેન્ટ પ્રોજેક્ટનું સ્થળ નિરીક્ષણ કર્યું. અદ્યતન પર્યટન સ્થળ તરીકે વિકસાવવામાં આવી રહેલા આ પ્રોજેક્ટમાં પ્રોમેનાડ એરિયા, MLCP મિકેનાઇઝ્ડ કાર પાર્કિંગ, સરફેસ પાર્કિંગ અને યોગા ગ્રાઉન્ડની કાર્યપ્રગતિની સમીક્ષા કરવામાં આવી. પ્રોજેક્ટનું કુલ આયોજન ડુમસ દરિયા કિનારાના 102 હેક્ટર અને 5 કિલોમીટરની લંબાઈમાં ફેલાયેલું છે, જેમાં ઝોન–1માં ₹244 કરોડના કામો ચાલી રહ્યા છે.
નિરીક્ષણ દરમિયાન કમિશનરે નોંધ્યું કે પ્રોજેક્ટના ઇજારદાર દ્વારા ધૂળ-પ્રદૂષણ અટકાવવા આવશ્યક વ્યવસ્થાઓ થઈ રહી નથી. પ્રદૂષણ નિયંત્રણના નિયમો સૌ માટે સમાન હોવાની સૂચના આપતા કમિશનર અગ્રવાલે મનપાના પોતાના પ્રોજેક્ટને જ ₹5,00,000નો દંડ ફટકાર્યો—જે સ્વ-નિયંત્રણનો અનોખો દાખલો છે.
કમિશનરે હોર્ટીકલ્ચર સહિત બાકી રહેલી તમામ કામગીરી ઝડપથી પૂર્ણ કરવાની સૂચના આપી. આ પ્રોજેક્ટમાં સાયકલ ટ્રેક, વોકવે, INS સુરત યુદ્ધ જહાજનું આકર્ષણ, મલ્ટીલેવલ કાર પાર્કિંગ અને કંટ્રોલ રૂમ જેવા મહત્વના ઉપકરણો વિકસાવવામાં આવી રહ્યા છે.
SMC દ્વારા સરકારી પ્રોજેક્ટને પણ દંડ ફટકારવાની આ કાર્યવાહી એ સ્પષ્ટ સંદેશ આપે છે કે પ્રદૂષણ નિયંત્રણના નિયમોમાં કોઈને છૂટછાટ નથી.