કામરેજના ખોલવડ ગામ નજીક તાપી નદીમાંથી એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ભાદા કોલોની પાસે નદીના પાણીમાં મૃતદેહ તરતો જોવા મળતાં સ્થાનિક લોકોએ તાત્કાલિક કામરેજ પોલીસને જાણ કરી હતી.
માહિતી મળતા જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહનો કબજો લઈ તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. હાલ પોલીસ દ્વારા અજાણ્યા મૃતદેહની ઓળખ સ્થાપિત કરવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે અને પ્રાથમિક રીતે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
મહુવામાં અલગ બનાવ :
સુરત જિલ્લાના મહુવા ભુતાળ ફળિયામાં રહેતા એક વૃદ્ધે ઘરમાં પરિવારજનો સાથે અમલસાડ જવા બાબતે થયેલી બોલાચાલીથી મન દુઃખી થઈ ઘરના છતની લોખંડની એંગલ સાથે દોરી બાંધી ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.
ઘટનાની જાણ થતાં મહુવા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે આ બાબતે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ શરૂ કરી છે.