ઓલપાડ : ઓલપાડ તાલુકામાં ‘પ્લાસ્ટિક મુક્ત ઓલપાડ’ અભિયાન હેઠળ ખરીદાયેલા કોટન બેગ વેન્ડિંગ મશીન અંગે ગંભીર શંકાઓ સામે આવી છે. કોંગ્રેસના મહામંત્રી દર્શનકુમાર નાયકે આ ખરીદીમાં આશરે ₹30 લાખનો ગેરવપરાશ થયો હોવાનો આક્ષેપ કરીને વિકાસ કમિશ્નર અને ગુજરાત તકેદારી આયોગ્યને લેખિતમાં ફરિયાદ કરી છે.
ફરિયાદ મુજબ, ઓલપાડ તાલુકાની લગભગ 80 ગ્રામ પંચાયતો માટે સ્વચ્છ ભારત અભિયાનની ગ્રાન્ટમાંથી લગભગ 100 કોટન બેગ વેન્ડિંગ મશીનો ખરીદવામાં આવ્યા હતા. આ મશીનની કિંમત પ્રતિ મશીન ₹35,000 બતાવવામાં આવી હતી.
દર્શનકુમાર નાયકનો આક્ષેપ છે કે મશીન ખરીદી દરમિયાન જરૂરી કાર્યવાહી, જેમ કે ટેન્ડર પ્રોસેસ, વહીવટી મંજૂરી અને સામાન્ય સભાના ઠરાવ લેવામાં આવ્યા નહોતા. જેના કારણે આ ખરીદી પર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.
મશીનોનું ઈ-લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે થયું હતું, પરંતુ ઘણી જગ્યાએ આ મશીનો માત્ર સાત મહિનામાં જ બંધ પડી ગયા છે. કેટલીક ગ્રામ પંચાયતોમાં મશીન કાર્યરત જ નથી, જેના કારણે અભિયાનનો હેતુ અધૂરો રહ્યો છે.
નાયકના કહેવા મુજબ એજન્સીની નબળી ગુણવત્તા અને અધિકારીઓની સંડોવણીને કારણે જાહેર ભંડોળનો વ્યય થયો છે. તેમણે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી અને વ્યય થયેલા રૂપિયા વસૂલવાની માંગ કરી છે.
આ મામલે યોગ્ય તપાસ થાય તો વધુ ગેરરીતિ બહાર આવવાની શક્યતા છે.
Back to top button
error: Content is protected !!