સુરત
Trending
ચૌટા બજારમાં દબાણ હટાવવું પાલિકા–પોલીસ માટે મોટો પડકાર
બે દિવસની કામગીરી છતાં ત્રીજા દિવસે દબાણ યથાવત, હપ્તા–રાજકારણના આક્ષેપો તીવ્ર

ચૌટા બજાર છેલ્લા ઘણા સમયથી ગેરકાયદે દબાણની સમસ્યાથી ઘેરાયેલું છે. સુરત મહાનગરપાલિકા અને પોલીસ તંત્ર છેલ્લા બે દિવસથી દબાણ હટાવવાની કામગીરી કરી રહ્યું છે, છતાં ત્રીજા જ દિવસે દબાણ ફરી યથાવત જોવા મળતાં તંત્રની કાર્યવાહી પર સવાલો ઊભા થયા છે.
સ્થાનિક વેપારીઓ અને રહેવાસીઓના કહેવા મુજબ પાલિકાની કાર્યવાહી માત્ર દેખાવ પૂરતી છે. પાલિકાની ટીમ દબાણ દૂર કરે છે, પણ કંઈ જ મિનિટોમાં ફરી દબાણ ઉભું થઇ જાય છે , જ્યારે પોલીસ અને પાલિકા તંત્ર તેની સામે કોઈ કડક પગલું ભરે છે તેમ લાગતું નથી.
ચૌટા બજારમાં ગેરકાયદે દબાણ માટે હપ્તાનું રાજકારણ ચાલી રહ્યું હોવાના ગંભીર આક્ષેપો પણ સામે આવ્યા છે. કેટલાક તત્વો દબાણ કરનારાઓ પાસેથી હપ્તા ઉઘરાવે છે અને આ હપ્તા પાલિકા–પોલીસ અને સ્થાનિક રાજકારણીઓ સુધી પહોંચે છે તેવી ચર્ચા ગરમ છે.
ભૂતકાળમાં જ્યારે પાલિકા દબાણ દૂર કરવા પહોંચી હતી ત્યારે દબાણ પાથરનારાઓએ પાલિકા ટીમ પર હુમલો કર્યો હતો . પોલીસની સામે જ સામાન લઈ જવાની ઘટનાએ દબાણ કરનારાઓનો આતંક વધુ મજબૂત કર્યો છે.
આજે પરિસ્થિતિ એવી છે કે ચૌટા બજારમાંથી વાહન પસાર કરવું પણ મુશ્કેલ બન્યું છે.
સેન્ટ્રલ ઝોનની પાલિકા ટીમ છેલ્લા બે દિવસથી કામગીરી કરી રહી છે, પરંતુ તંત્રની નબળી કામગીરી અને ગેરલાલચની શંકા ને કારણે સમસ્યા કાયમી ધોરણે ઉકેલાતી નથી.સ્થાનિકોના કહેવા મુજબ જો પાલિકા અને પોલીસ ગંભીરતાથી દબાણ દૂર નહીં કરે , તો ચૌટા બજારમાંથી શાંતિ અને વ્યવસ્થા બંને ગાયબ થવાની શક્યતા વધી રહી છે.




